Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદથી વાયા ગરાડુ,કાળીયા, સુખસર થઈ સંતરામપુરની એસ.ટી બસ ચાલુ કરવા મુસાફર જનતાની માંગ..

August 4, 2023
        557
ઝાલોદથી વાયા ગરાડુ,કાળીયા, સુખસર થઈ સંતરામપુરની એસ.ટી બસ ચાલુ કરવા મુસાફર જનતાની માંગ..

ઝાલોદ થી વાયા ગરાડુ,કાળીયા, સુખસર થઈ સંતરામપુરની એસ.ટી બસ ચાલુ કરવા મુસાફર જનતાની માંગ

ગરાડુ થી ઘાણીખુટ રૂટ ના 50 ઉપરાંત કે.જી થી લઈ કોલેજ સુધી નિયમિત અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ વાહન વિના મુશ્કેલી ભોગવી રહ્યા છે.

નવીન એસ.ટી બસો શરૂ કરાય અથવા ઝાલોદ થી સંતરામપુર તરફ જતી એસ.ટી બસો પૈકી કેટલીક બસોને ગરાડુ થી સુખસર રૂટ ઉપર દોડાવવા માંગ.

( પ્રતિનિધિ ). સુખસર,તા.3

ફતેપુરા તાલુકાના ફતેપુરા સહિત સુખસર,બલૈયા જેવા નાના શહેર થી ગ્રામ્ય વિસ્તારો તરફ દરેક ગામડાઓને જોડતા અનેક ડામર રસ્તાઓ આવેલ છે.જે રસ્તાઓ ઉપર અગાઉ મોટાભાગના ગામડાઓમાં એસ.ટી બસોની સેવા ચાલુ હતી.પરંતુ સમય જતાં આ એસ.ટી બસો ના રૂટ બંધ કરી દેવામાં આવતા હાલ આ રસ્તાઓ ઉપર ખાનગી લોડીંગ વાહનોએ ગેરકાયદેસર મુસાફર વહન કરવા ઉપર કબજો મેળવી મુસાફરોના જીવના જોખમે મુસાફર જનતા વહન કરવામાં આવી રહી છે.જે બાબતથી પોલીસ તથા આર.ટી.ઓ ના જવાબદારો અજાણ નથી.

         પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર,ઘાણીખૂટથી ગરાડું જતા આઠ કી.મી ના સિંગલ પટ્ટી માર્ગ ઉપર અગાઉ દૈનિક પાંચ જેટલી સરકારી એસ.ટી બસની ટ્રીપો ચાલુ હતી.પરંતુ આ માર્ગ બિસ્માર થતાં આ એસ.ટી બસની ટ્રીપો બંધ કરવામાં આવી હતી.ત્યારબાદ સ્થાનિક પ્રજાની માંગણીને ધ્યાને લઈ આ માર્ગને કરોડો રૂપિયાના ખર્ચે દ્વીમાર્ગીય ડામર રોડ બનાવવામાં આવ્યો છે.અને છેલ્લા એક વર્ષથી આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ ચૂકેલી છે.છતાં આ માર્ગ ઉપર હાલ સુધી સરકારી એસ.ટી બસની સુવિધા આપવા સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ જણાતું નથી.જેના લીધે હાલ અભ્યાસ સાથે જતા વિદ્યાર્થીઓ,નોકરીયાત તથા સુખસર,સંતરામપુર તરફ જતી મુસાફર જનતા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

       અહીંયા ખાસ જણાવવું જરૂરી છે કે,ગરાડુ થી ઘાણીખુટ જતા માર્ગ ઉપરના ઘાટાવાડા,મોટી ઢઢેલી, કાળીયા,માનાવાળા બોરીદા,નાના બોરીદા,મોટા બોરીદા વિગેરે ગામડાઓ માંથી 50 થી વધુ કે.જી થી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ સુખસર સંતરામપુર તરફ નિયમિત અભ્યાસ અર્થે અવર-જવર કરી રહ્યા છે.જેઓ સરકારી એસ.ટી બસની સુવિધાના અભાવે ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે.ત્યારે ખાસ કરીને અભ્યાસ અર્થે જતા બાળકો અને વિદ્યાર્થીઓ માટે શાળામાં અવર-જવર કરવાના સમયની એસ.ટી બસો ચાલુ કરવા લાગતા-વળગતા તંત્ર દ્વારા સત્વરે ધ્યાન આપવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.

        નોંધનીય છે કે, ઝાલોદ,ગરાડુ થી સુખસર તરફ જવા સવારના‌ 7:00 કલાકના અરસામાં બીજી ટ્રીપ બપોરના 12:00 કલાકે જ્યારે સાંજના 5.30 કલાકના અરસામા જ્યારે સુખસર થી ગરાડુ થઈ ઝાલોદ તરફ જવા માટે બપોરના 12 કલાકે,સાંજના સાડા 5:30 વાગ્યાના અરસામાં એસ.ટી બસો ની ટ્રીપ ચાલુ કરવામાં આવે તો અભ્યાસ અર્થે સુખસર-સંતરામપુર તરફ અવર-જવર કરતા વિદ્યાર્થીઓ તથા મુસાફર જનતાને સુગમતા રહે તેમ છે. સાથે એ પણ જણાવવું જરૂરી છે કે, આ રૂટ ઉપર નવીન એસટી બસો ફાળવવા માટે સરકારને મુશ્કેલી હોય તો જે એસટી બસો 10 થી 15 મિનિટ ના સમયાંતરે ઝાલોદ થી ઉપડી સુખસર થઈ સંતરામપુર તરફ અવરજવર કરે છે તે પૈકી કેટલીક એસ.ટી બસોને ઉપરોક્ત સમયના અરસામાં ઝાલોદ થી વાયા ગરાડુ,કાળિયા થઈ સુખસર થી સંતરામપુર તરફ દોડાવવામાં આવે તો મુસાફર જનતાને એસ.ટીના લાભ સાથે સરકારને પણ સારી આવક થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!