
બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકામાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર સાથે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા*
ખેડૂતોને સરકાર માન્ય એગ્રો સેન્ટરો દ્વારા સમયસર ખાતર, બિયારણ મળી રહે તેવું એગ્રો સેન્ટર સંચાલકો સહિત જવાબદાર તંત્ર દ્વારા આયોજન જરૂરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.30
ફતેપુરા તાલુકામાં અગાઉની સરખામણીએ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે ચાલુ વર્ષે આઠેક દિવસ મોડાથી વરસાદનું આગમન થવા છતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.અને ખેડૂતો ખેતી કામમાં જોતરાઇ ચૂક્યા છે.ત્યારે ખેડૂતોને સરકાર માન્ય એગ્રો સેન્ટરો દ્વારા સમયસર બિયારણ તથા ખાતર મળી રહે તેવું એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા આયોજન જરૂરી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.તેમજ ગત વર્ષોની સરખામણીએ જોતા ખેડૂતોને ખાતર મેળવવા માટે દિવસો સુધી લાઈનોમાં ઊભા રહેવાનો સમય આવે નહીં તે બાબતે વહીવટી તંત્રએ સજાગતા રાખવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ફતેપુરા તાલુકામાં ગત છેલ્લા બે વર્ષમાં 21-22 જૂનના રોજ ચોમાસુ વરસાદનું આગમન થતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા.પરંતુ ચાલુ વર્ષે આઠ દિવસ પાછળ ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો ખેતી કામમાં લાગી ચૂક્યા છે.ત્યારે હાલમાં સરકાર માન્ય એગ્રો સેન્ટરો દ્વારા ખેડૂતોને સમયસર બિયારણ તથા ખાતર મળી રહે તે ખૂબ જ જરૂરી છે.જોકે અગાઉના સમયમાં ખેડૂતોને બરાબર ખેતીમાં ખાતર આપવાના સમયે ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી સરકારી ભાવ કરતાં વધુ ભાવો વસૂલાત કરવામાં આવતા હતા.તેમજ કેટલાક સમયે ખેતીમાં ખાતર આપવાના સમયે જ દિવસો સુધી ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાના દિવસો ખેડૂતો જોઈ ચૂકેલા છે.જેનું પુનરાવર્તન ચાલુ વર્ષે થાય નહીં તે પ્રત્યે પણ તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવે તે જરૂરી છે.સાથે-સાથે ખેડૂતો દ્વારા સરકાર માન્ય એગ્રો સેન્ટરો માંથી ખાતર તથા બિયારણ ખરીદ કરવામાં આવે છે તે બાબતનું એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા બિલ આપવામાં આવતા નથી. જે સરકારી નિયમો અનુસાર ખેડૂતો સાથે અન્યાય થાય છે.ત્યારે જે-તે ખેડૂત સરકાર માન્ય એગ્રો સેન્ટર માંથી ખાતર,બિયારણ તથા દવા ખરીદ કરે ત્યારે તેને સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ફરજિયાત બિલ આપવામાં આવે તે પ્રત્યે લાગતા- વળતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.