બે દિવસ પહેલા ગુમ થયેલા વિદ્યાર્થીની હત્યા કોણે અને કયા કારણોસર કરી.?પોલીસ તપાસનો વિષય…
ધાનપુરના વાલકેશ્વર ડેમમાંથી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પથ્થર સાથે બાંધેલી લાશ મળી આવતા ખળભળાટ…
ધાનપુર તા.25
ધાનપુર તાલુકાના બેડાટ ગામનો રહેવાસી અને ધોરણ 12 માં અભ્યાસ કરતા યુવકની પથ્થર સાથે બાંધેલો મૃતદેહ વાલ્કેશ્વર ડેમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ યુવકની હત્યા કર્યા બાદ લાશને પથ્થર જોડે બાંધી ડેમમાં ફેંકવામાં આવી છે. અથવા યુવકને પથ્થર જોડે બાંધી ડેમમાં ફેંકી તેની હત્યા કરી કરી છે. ત્યારે આવી તમામ શંકાકુશકાની વચ્ચે પોલીસ તપાસમાં જોતરાય છે.ત્યારે ધોરણ 12 માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીની કોણે અને કયા કારણોસર હત્યા કરી? તેની લાશ આ ડેમમાં ફેંકી દીધી છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલ ધાનપુર પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના બેડાટ ગામના કાળિયા ફળીયાનો રહેવાસી અને નાકટી હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો મહેન્દ્ર મનુભાઈ પટેલ બે દિવસ અગાઉ ઘરેથી ગુમ થઈ ગયો હતો.જે અંગે તેમના પરિવારજનો દ્વારા આ 12 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આજરોજ ધાનપુર નજીક વાલ્કેશ્વર ડેમમાંથી આ ગુમ થયેલા મહેન્દ્ર પટેલની લાશ પથ્થર જોડે બાંધેલી અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે બીજી તરફ મરણજનાર મહેન્દ્ર પટેલ આ ડેમમાં કેવી રીતે આવ્યો.? આ 12 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કોને કયા કારણોસર હત્યા કરી લાશને પથ્થર વડે બાંધી ડેમમાં ફેંકી દીધી હતી. તે અંગેની ચર્ચાઓ હાલ સમગ્ર પંથકમાં ફેલાવવા પામી છે ત્યારે ઘટના સંબંધી જાણ ધાનપુર પોલીસને થતા ધાનપુર પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને મરણ જનાર મહેન્દ્ર પટેલની લાશનો કબજો મેળવી નજીકના હોસ્પિટલ ખાતે ખસેડી ઉપરોક્ત બનાવમાં તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે ત્યારે મહેન્દ્ર પટેલની મોતના પગલે ગમગીનીની સાથે માતમ થવા જવા પામ્યો છે.