Monday, 17/01/2022
Dark Mode

શ્રમિક આદિવાસી માતા-પિતાના દીકરાની મહેનત રંગ લાવી: દાહોદના નાનકડા ગામમાં કાચા મકાનમાં રહેતો યુવક IIT ખડગપુરમાં ભણશે..

July 4, 2021
        1197
શ્રમિક આદિવાસી માતા-પિતાના દીકરાની મહેનત રંગ લાવી: દાહોદના નાનકડા ગામમાં કાચા મકાનમાં રહેતો યુવક IIT ખડગપુરમાં ભણશે..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

શ્રમિક આદિવાસી માતા-પિતાના દીકરાની મહેનત રંગ લાવી: દાહોદના નાનકડા ગામમાં કાચા મકાનમાં રહેતો યુવક IIT ખડગપુરમાં ભણશે

દાહોદ તા. 04

આજની ફાઇવ સ્ટાર શાળાઓ કે ટ્યુશન ક્લાસીસની વૈભવી ઇમારતોમાં સુવાક્યો વાાંચવા મળતા નથી.આવા સુવાક્યો હવે સરકારી શાળાઓની દિવાાલો પૂરતા જ મર્યાદિત થઇ ગયા છે.જેમ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે તે સુવાક્ય તમામ શાળાઓમાં સામાન્ય છે.ત્યારે આ જ સુવાક્યને એક ગરીબ અને શ્રમિક પરિવારના ફરજંદે સિધ્ધ કરી બતાવ્યુ છે.

માતાપિતાએ મજૂરીકામ કરી પુત્રને ભણાવ્યો

દાહોદના ચંદવાણા ગામમાં રહેતા અને અમદાવાદમાં કડિયાકામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા ગરીબ માતાપિતાના એક બાળકે જાણે કે તેમનો ભવ સુધારી દીધો હોય તેવી સફળતા મેળવી છે.ઝૂંપડામાં રહીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આ ગામના સુક્રમ બબેરિયાએ ગેટની પરીક્ષા પાસ કરીને ખડગપુર આઇઆઇટીમાં પ્રવેશ મેળવી પરિવાર સાથે સમાજનુ ગૌરવ પણ વધાર્યુ છે.

 

સુક્રમના પિતા ધોરણ 5 પાસ અને માતા નિરક્ષર

દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં રહેતા સુમાભાઇ બબેરિયા તે જમાનામાં માત્ર પાંચમુ ધોરણ પાસ છે અને તેમના ધર્મપત્ની તો અભણ છે.આ દંપત્તી છેલ્લા વીસેક વર્ષથી અમદાવાદમાં કડિયાકામ એટલે કે મજૂરી કરે છે.ગામમાં પાકું ઘર પણ નથી અને વસ્તારમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે તેમાંથી બે દીકરીઓના લગ્ન થઇ ગયેલા છે.

1 થી 12 ધોરણ સુધી સરકારી શાળામાં જ શિક્ષણ લીધું

સુક્રમ ઘર પાસે જ આવેલી ડામોર ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 6 સુધી ભણ્યો હતો.અભ્યાસમાં સુક્રમને પહેલેથી જ રુચિ હતી જેથી તેણે પુસ્તકો સાથે જાણે પ્રિતી કરી લીધી હોય તેમ કોઇ પણ પ્રકારના ખાનગી ટ્યુશન વિના સમગ્ર વિષયોને સમજી લઇને ઉત્કૃષ્ટ દેખાવ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે.ધોરણ 7 અને 8નો અભ્યાસ પણ ગામની પગાર કેન્દ્રની સરકારી શાળામાં જ પૂર્ણ કર્યેો અને ગામમાં જ આવેલી સરકારી ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યુ.ધોરણ 10માં સુક્રમે 70 ટકા તો મેળવ્યા પરંતુ પૈસાના અભાવે મોંઘી શાળામાં શિક્ષણ મેળવવાનું સપનુ સાકાર થઇ શકે તેમ ન હતુ.જેથી દાહોદની આદર્શ નિવાસી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો અને ધોરણ 12 માં 64 ટકા ગુણ મેળવ્યા અને સાથે ગુજકેટની પરીક્ષા પણ આપી.

 

IIT ખડગપુર પર પસંદગી ઉતારી

ધોરણ 12ની ટકાવારી અને ગુજકેટના ગુણના આધારે સુરતમાં બી-ટેકમાં પ્રવેશ મેળવ્યો સાથે અને અંતિમ વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ સુક્રમે ગેટની પરીક્ષાની તૈયારીઓ શરુ કરી દીધી હતી.છેવટે ગેટની પરીક્ષા પણ આવી ગઇ અને તે પરીક્ષા પણ તેણે પુરા ખંત અને મહેનત સાથે આપી દીધી.ગેટનું પરિણામ આવ્યુ ત્યારે તે દિવસ સુક્રમના જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો કારણ કે તેણે ગેટની પરીક્ષા પાસ કરી દીધી હતી.હવે આઇઆઇટીમાં જવાનું સ્વપ્ન પૂર્ણ થવાને આરે હતુ ત્યારે તેમના પ્રાધ્યાપકોના માર્ગદર્શનથી દેશની વિવિધ આઇઆઇટીમાં પ્રવેશ માટે જરુરી કાર્યવાહી કરી.ત્યારે પરિણામને આધારે ગુવાહાટી,રુરકી અને ખડગપુરની આઇઆઇટીના દ્રાર તેના માટે ખુલ્લા હતા.તેમાંથી સુક્રમે ખડગપુર આઇઆઇટી પર પસંદગી ઉતારી અને તેમાં પ્રવેશ ફી ભરીને પ્રોવિઝનલ એડમીશન પણ મેળવી લીધુ છે.જોકે કાચા ઝુંપડામાં રહીને પણ મહેનતને આધારે સફળતાના શીશમહેલ પ્રાપ્ત કરી શકાય છે તે સુક્રમે સિદ્ધ કરી બતાવ્યુ છે.સુક્રમ માત્ર પુસ્તકિયો કીડો નથી તે ઘરકામમા પણ મદદ કરે છે અને તેની લાયેબ્રેરી ઘર પાસે આવેલી શાળા જ છે. સુક્રમ કહે છે કે મારા પરિવાર અને માતા પિતાના સહયોગ વિના આ સફળતા શક્ય નથી અને તમામ વિદ્યાર્થીઓએ કોઇ પણ પરિસ્થિતિમાં અભ્યાસ પૂરી લગનથી કરવો જોઇએ.તેના પિતા કહે છે કે કોઇ પણ ભોગે દીકરાને ભણાવવાનો છે અને જે નિરક્ષર માતાને તો આઇઆઇટી શું છે તે ખબર જ નથી તેણે તેની ગામઠી ભાષામાં જણાવ્યુ કે ભણાવવા ખૂબ મહેનત કરી છે ત્યારે કોઇની પણ આંખોના ખૂણાં ભીંજાઇ જાય તેવો માતાનો સૂર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!