રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદ વિધાનસભાની ચાર બેઠકો પર બીજેપીએ રિપીટ થિયરી અપનાવી ઉમેદવારો જાહેર કર્યા:બે બેઠકોની જાહેરાત પેન્ડિંગ..
કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાની ભાજપમાં ઘર વાપસી:ઝાલોદ વિધાનસભા બેઠક પર બીજેપી ઉમેદવાર બનાવે તેવી અટકળો…
ચાર વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કપાશે તેવી અટકળોની વચ્ચે બીજેપીની જાહેરાતે સૌ ને ચોકાવ્યા.
દાહોદ તા.10
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની છે. જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડી ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાઈ છે.જોકે આજરોજ બીજેપીએ 160 જેટલાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠક પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. વિધાનસભા બેઠકોના ઉમેદવારોની જાહેરાત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. બીજેપીએ ગત ટર્મની રિપીટ થિયરી અપનાવી દાહોદમાંથી કનૈયાલાલ કિશોરી, ફતેપુરામાંથી રમેશભાઈ કટારા, દેવગઢબારિયા માંથી પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, તેમજ લીમખેડા વિધાનસભા બેઠક પર સાંસદ જસવંતસીંગ ભાભોરના ભાઈ શૈલેષભાઈ ભાભોર ને ટિકિટ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખ છે કે બીજેપી દ્વારા નો રીપીટ થિયરી, સગા સંબંધીઓને ટિકિટ નહીં તેમજ યુવાઓને તક આપવા માટે ગાઈડ લાઈન બનાવી હતી. અને દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પરથી બીજેપી તરફી 84 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેના મોવડી મંડળ પણ અસમજસ મુકાઈ ગયો હતો. જોકે બીજેપી એ આ વખતે ગાઈડલાઈન કરતા સીટ જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારને ધ્યાનમાં રાખી ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. જોકે ગરબાડા તેમજ ઝાલોદ વિધાનસભા બેઠક પર દાવેદાર વધુ હોવાથી તેમજ અસંતુષ્ટ ના વિરોધને ખાળવા તેમજ ડેમેજ કંટ્રોલ કરવા આ બે બેઠક પર ઉમેદવારોની જાહેરાત બીજેપીએ પેન્ડિંગ રાખી છે.આ તમામ બાબતોની વચ્ચે ઝાલોદ વિધાનસભા બેઠકના વર્તમાન કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી આજે બીજેપીમાં પુનઃ વાપસી કરી છે. ત્યારે બીજેપીએ ઝાલોદ ગરબાડાના ઉમેદવારોના નામની ઘોષણા હાલ પેન્ટિંગ રાખી છે ત્યારે ઝાલોદ વિધાનસભા બેઠક પર કદાચ ભાવેશ કટારાને બીજેપી દાવેદાર તરીકે ઉતારવાની અટકળો વહેતી થઇ છે.ત્યારે આગામી સમયમાં આ બંને બેઠકો પર શું સમીકરણો રચાય છે. તેમજ ચૂંટણી દરમિયાન દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર કેવો રસપ્રદ જંગ જામે છે.તે હાલ જોવું રહ્યું.