નવીન સિકલીગર :- પીપલોદ
દેવગઢબારિયા નગરપાલિકાના અણધણ વહીવટના કારણે નગરવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર..
દેવગઢબારિયા-પીપલોદ માર્ગ પર ગટરના દુર્ગંધ મારતા દુષિત પાણી રસ્તા પર ફરી વળ્યા..
દુર્ગંધ મારતું દૂષિત પાણી રોડ પર રેલાતા રોગચાળો ફેલાવવાની આશંકા…
પીપલોદ તા.08
દેવગઢ બારીયા નગરપાલિકાના અણધડ વહીવટ ના કારણે નગરની ગટર યોજના નગરવાસિયો માટે આફત સમાન બની રહી છે. દેવગઢબારિયા થી પિપલોદ તરફ જતા રસ્તા પર ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા પસાર થતા રાહદારીઓ માટે માથાનાં દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે.
દેવગઢબારિયા નગરપાલિકાનો કારભાર હાલ વહીવટદાર પાસે છે. ત્યારે દેવગઢબારિયા પાલિકાની હાલત દિન પ્રતિ દિન કફોડી બનતી જાય છે. એક સાંધે અને તેર તૂટે તેવી હાલત પાલિકા વહીવટની થઈ રહી છે. વારંવાર દિન પ્રતિ દિન દેવગઢબારિયા નગર માંથી પસાર થતા મુખ્ય રસ્તા પર બનાવવામાં આવેલ ગટરના ઢાંકણ તૂટી જવા પામે છે જેનો માંડ
રીપેરીંગ થાય છે ત્યાં જ બીજી સમસ્યાઓ ઊભી થાય છે. નગરમાંથી પસાર થતી ગટર લાઈન તંત્રના અણધડ વહીવટના કારણે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ ગટર લાઈનનું ઢાંકણ લીકેજ થતા ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર ફરી વળ્યું છે. જેના કારણે પસાર થતાં વટેમાર્ગુ,
વાહનો અને રાહદારીઓને દુર્ગંધ સહન કરી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. તેમ છતાં નગરના જવાબદાર તંત્રને કે અધિકારીઓને પેટનું પાણી પણ હાલતું નથી. જવાબદાર તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક જરૂરિયાતો ક્યારેય પૂરી કરવામાં આવશે તે પણ એક પ્રાણ પ્રશ્ન છે સત્વરે ગટર લાઈનો રીપેરીંગ
કરી લોકોની સુખાકારી પ્રત્યે જવાબદાર તંત્ર જવાબદાર બને તેવી લોક માંગ ઉઠવા પામી છે.