બાબુ સોલંકી :- સુખસર
*પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓને હિંમતનગર – અંબાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત:દારૂના નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે 12 પદયાત્રીઓને અડફેટે લીધા*
*તમામ ઇજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા*
સુખસર,તા.22
ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને હિંમતનગર – અંબાજી હાઈવે પર કાળ ભેટ્યો હિંમતનગર થી બાર કિલોમીટરના અંતરે દોલગઢ પાટિયા નજીક પૂરઝડપે આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 12 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તંત્ર દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે હાઈવેની એક બાજુનો રોડ વન-વે જાહેર કરી ફક્ત પદયાત્રીઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો. તેમ છતાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે વન-વે ના નિયમનો ભંગ કરી પોતાની કાર પદયાત્રીઓ માટે અનામત રાખેલા રોડ ઉપર ઘુસાડી દીધી હતી અને 12 પદયાત્રીઓને કચડી નાખ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે,પદયાત્રીઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઘટના બાદ આસપાસના સ્થાનિકો અને અન્ય પદયાત્રીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. રોષે ભરાયેલા ટોળાએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી અને આક્રોશમાં કારને આગ ચાંપી દીધી હતી.ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય કલેકટર તથા અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તમામ મહાનુભાવોએ ઘાયલ દર્દીઓની ખબર-અંતર પૂછી હતી અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને તાત્કાલિક અસરથી શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી હતી.પોલીસે સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
*ઈજાગ્રસ્તોના નામ:*
1. દિલીપકુમાર સજ્જનસિંહ પટેલ, રહે. પંચમહાલ રોડરા
2. મહેશભાઈ મગનભાઈ પટેલ, રહે. નાના ચેખલા
3. કાર્તિકકુમાર રતિલાલભાઈ સોલંકી, રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ
4. મોહનભાઈ રમણભાઈ વાઘેલા, રહે. નાના ચેખલા
5. ચેતનાબેન મોહનભાઈ વાઘરી, રહે. નાના ચેખલા
6. સુનિલભાઈ નગીનભાઈ બારીયા, રહે. કણાજી પાણી, તા. ઝાંબુઘોડા
7. વકતુભાઈ ગલબાભાઈ વાઘરી, રહે. નાના ચેખલા
8. મુકેશકુમાર નટવરભાઈ પટેલ, રહે. ધાણોતરા, તા. ગોધરા
9. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર, રહે. ધાણોતરા, તા. ગોધરા
10. આશાબેન મહેશભાઈ પટેલ, રહે. નાના ચેખલા
11. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા, રહે. નાના ચેખલા
12. વિજયભાઈ ધીરુભાઈ પટેલ, રહે. ધાણોતરા, તા. ગોધરા
