રાજેશ વસાવે :- દાહોદ
*“એક દીવો આશીર્વાદનો – વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે”*
*વિકાસના પ્રકાશને જનજન સુધી પહોંચાડનાર કર્મયોગી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ*
*દાહોદ છાબ તળાવ ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને આશીર્વાદનો દીવડો કાર્યક્રમ યોજાયો*
દાહોદ, તા. 17 સપ્ટેમ્બર, 2026:
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે દાહોદ ખાતે “એક દીવો આશીર્વાદનો – નરેન્દ્ર મોદીના માટે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને નિરોગી જીવનની પ્રાર્થના સાથે સેંકડો દીપ પ્રજ્વલિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ દરમ્યાન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ભાજપા પ્રમુખશ્રી સ્નહેલ ધરીયા, કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ માઁ ભારતીની દીપ પ્રજ્વલિત કરી મહા આરતી કરીને દીવાની જેમ પોતે બળીને વિકાસનો પ્રકાશ ફેલાવનાર કર્મયોગીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. તેમજ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રનિર્માણ અને વિકાસલક્ષી કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના કરોડો નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ સતત રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને કાર્ય કરી રહ્યા છે. દેશની સાથોસાથ દાહોદ જેવા જિલ્લાના વિકાસને તેમણે નવી દિશા અને નવી ગતિ આપી છે. તેમના જન્મદિનના આ પાવન અવસરે આપણે સૌ તેમના સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરીએ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, દીપક પોતે બળીને આસપાસ પ્રકાશ ફેલાવે છે, તેવી જ રીતે વડાપ્રધાનશ્રી સતત પરિશ્રમ અને સમર્પણથી દેશના વિકાસનો પ્રકાશ જનજન સુધી પહોંચાડી રહ્યા છે. તેમના નેતૃત્વમાં દેશે વિકાસ, આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવાનોના વિકાસ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આજે તેમના જન્મદિન નિમિત્તે પ્રજાજનો દ્વારા પ્રગટાવવામાં આવી રહેલો દરેક દીવો તેમના પ્રત્યેના સ્નેહ, આદર અને આશીર્વાદનું પ્રતીક છે.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પી. એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાહોદ પ્રાંત અધિકારીશ્રી, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, દાહોદ મામલતદારશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000
