ઝાલોદમાં તસ્કરોનો આતંક! સાંઈધામ સોસાયટીમાં ફરી બાઇકોના લોક તોડવાનો પ્રયાસ.
બે મહિના અગાઉ ત્રણ મકાનોમાં ઘરફોડ ચોરી છતાં ભેદ ઉકેલાયો નથી;
રાત્રે તસ્કરોના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, CCTVમાં શંકાસ્પદ વ્યક્તિઓ કેદ
ઝાલોદ તા.10
ઝાલોદ નગરમાં તસ્કરોનો ભય ફરી સામે આવ્યો છે. શહેરની સાંઈધામ સોસાયટીમાં 9 સપ્ટેમ્બર 2026ના રોજ તસ્કરોએ બાઇકોના લોક તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોના આંટાફેરા જોવા મળતાં સ્થાનિક રહીશો જાગી ગયા હતા, જેના પગલે તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશરે બે મહિના અગાઉ પણ સાંઈધામ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. જેમાં એક વિધવા મહિલાના મકાનમાંથી આશરે રૂ. 2 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો. ઉપરાંત એક બાઇકની પણ ચોરી થઈ હતી. ઘટનાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં ચોરીનો ભેદ ઉકેલાયો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે.દરમિયાન 9 સપ્ટેમ્બરની રાત્રે ફરી તસ્કરો સોસાયટી વિસ્તારમાં સક્રિય થતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. રહીશો જાગી જતાં તસ્કરોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો ખેતરના પાછળના ભાગેથી ભાગી ડુંગળી ફળિયા વિસ્તાર તરફ ગયા હોવાની માહિતી સામે આવી છે.આ દરમિયાન રહેણાંક મકાનના CCTV કેમેરામાં તસ્કરો કેદ થયા હોવાની વિગતો સામે આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા તસ્કરોની ઓળખ અને અગાઉ બનેલી ચોરીની ઘટનાઓ સાથે કોઈ કડી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
