બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ડબલારા ગામની 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર કુવામાં ભુસકો મારી મોત વહાલું કર્યું*
*કુવામાં ખાબકેલી યુવતીને આસપાસ માંથી દોડી આવેલા લોકોએ બચાવવા પ્રયત્નો કર્યા પરંતુ વ્યર્થ*
સુખસર,તા.6
સુખસર તાલુકામાં વર્ષોથી અગમ્ય કારણોસર મોતને ભેટવાના અને શંકાસ્પદ મોતના અનેક બનાવો બની ચૂકેલા છે.અને આવા બનાવો બન્યા બાદ પિડીતે કયા કારણોસર અઘટિત પગલું ભરવા મજબૂર બનવું પડ્યું કે તેનું મોત થયેલ છે તેની કોઈ જ તપાસ નહીં થતાં અનેક કિસ્સા આજ દિન સુધી દબાયેલા છે.તેમાં એક વધુ બનાવ ગતરોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં 18 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાન પાસે આવેલ કુવામાં મોતનો ભૂસકો મારી મોત વહાલુ કરતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના ડબલારા ગામે રહેતા શંકરભાઈ માનસિંગભાઈ રાવળને સંતાનમાં બે પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતી.જેમાં બીજા નંબરની પુત્રી નામે વિલાસબેન શંકરભાઈ રાવળ (ઉંમર વર્ષ 18) ધોરણ 12 પછી કોલેજના પહેલા વર્ષમાં સુખસર કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યારે વિલાસબેનના માતા-પિતા હાલ બહારગામ મજૂરી અર્થે ગયેલા હતા.જ્યારે વિલાસબેન તથા તેના ત્રણ નાના ભાઈ-બેન દાદા માનસિંગભાઈ રાવળ પાસે ડબલારા ઘરે રહેતા હતા.શનિવાર સાંજના વિલાસબેન તેના પિતા શંકરભાઈને મોબાઈલથી સામાન્ય વાત પણ કરી હતી.અને આ વિલાસબેન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના આંગણામાં નાના બાળકને રમાડી રહ્યા હતા.અચાનક આ બાળકને તેના દાદાને સોંપી દોડતી જઈ પોતાના મકાન થી દોઢસો ફૂટ દૂરના અંતરે આવેલ કુવા બાજુ ગઈ હતી.અને કાઈ સમજે તે પહેલા કુવામાં ભુસકો માર્યો હતો.જેથી ઘરના સભ્યોને જાણ થતાં બૂમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.અને વિલાસબેનને સહી સલામત કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ કૂવામાંથી બહાર આવતાં પહેલા જ વિલાસબેન નું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.જુવાન જોધ દીકરીએ અચાનક કૂવામાં ભૂસકો મારી મોતને વહાલું કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે ગામમાં હાહાકાર મચી ગયો હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે,વિલાસબેનના પરિવારના લોકોને પૂછતા બનાવ બન્યા ના દિવસે તેનું વર્તન સામાન્ય હતું.તેમજ માતા પિતા બહાર ગામ મજૂરી અર્થે ગયેલ હતા.અને વિલાસ બેને અધટીત પગલું ભરતા પહેલા પિતા સાથે રોજની જેમ સામાન્ય વાત કરી હતી.તેમજ નાના બાળકને રમાડી રહી હતી ત્યારે અચાનક તેને શું સુઝ્યું કે મોત વહાલુ કરવા કૂવામાં છલાંગ લગાવી?તે ખાસ તપાસનો વિષય છે.
ઉપરોક્ત બાબતે મૃતક વિલાસબેનના પિતા શંકરભાઈ માનસિંગભાઈ રાવળે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પંચનામા બાદ લાશનો કબજો મેળવી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
