હાઈકોર્ટના નવા પરિપત્ર સામે દાહોદ જિલ્લા વકીલ મંડળની અચોક્કસ મુદ્દતની હડતાલ, કોર્ટ કામગીરી પ્રભાવિત.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

હાઈકોર્ટના નવા પરિપત્ર સામે દાહોદ જિલ્લા વકીલ મંડળની અચોક્કસ મુદ્દતની હડતાલ, કોર્ટ કામગીરી પ્રભાવિત.!

દાહોદ, તા. 6 ઓગસ્ટ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક કામગીરી માટે અમલમાં મુકાયેલા નવા પરિપત્રના વિરોધમાં દાહોદ જિલ્લા વકીલ મંડળે અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. વકીલોએ તમામ ન્યાયિક કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેતા જિલ્લા તેમજ તાલુકા કક્ષાની કોર્ટોમાં કામકાજ પર અસર જોવા મળી રહી છે.

હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતી અરજીઓ અને અન્ય દસ્તાવેજો માટે A4 સાઈઝના પેપરનો ઉપયોગ તેમજ નોટો સન્સ, નોટો સેરીફ, લોહિત ગુજરાતી સહિતના નિર્ધારિત ફોન્ટ્સનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમાં દાહોદ જિલ્લા વકીલ મંડળનું કહેવું છે કે નવા નિયમો અને ફોન્ટ સિસ્ટમને કારણે રોજિંદા ટાઈપિંગ, દસ્તાવેજોની તૈયારી અને અન્ય વહીવટી પ્રક્રિયામાં ગંભીર ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલોએ આ પરિપત્ર રદ કરવા અથવા તેમાં જરૂરી સુધારા કરવાની માંગ ઉઠાવી છે.આ માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત માટે હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાલના પગલે જિલ્લા કોર્ટ તેમજ તાલુકા મથકોની કોર્ટોમાં ન્યાયિક કામગીરી પ્રભાવિત થઈ છે, જેના કારણે વિવિધ કેસોમાં હાજરી આપવા આવેલા અરજદારો અને અસીલોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વકીલ મંડળે હાઈકોર્ટ સમક્ષ વ્યવહારુ અને ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરિપત્રમાં યોગ્ય ફેરફાર કરવાની માંગ કરી છે. હાલમાં આ મુદ્દે હાઈકોર્ટ તરફથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી.

Share This Article