દાહોદની ₹14.17 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ઇન્દોરની સિક્લીગર ગેંગનો એક આરોપી પોલીસના સકંજામાં.! દોઢ મહિનાની તલસ્પર્શી તપાસ બાદ દાહોદ પોલીસે CCTVના આધારે ગેંગ સુધી પહોંચ મેળવી.!

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદની ₹14.17 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ઇન્દોરની સિક્લીગર ગેંગનો એક આરોપી પોલીસના સકંજામાં.!

દોઢ મહિનાની તલસ્પર્શી તપાસ બાદ દાહોદ પોલીસે CCTVના આધારે ગેંગ સુધી પહોંચ મેળવી.!

મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપી ફરાર, શોધખોળ તેજ

દાહોદ, તા. 06

દાહોદ શહેરના ગોવિંદનગર સ્થિત સહયોગનગર સોસાયટીમાં દોઢ મહિના અગાઉ બનેલી રૂ. 14.17 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ દાહોદ એ-ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરની કુખ્યાત સિક્લીગર ગેંગના એક સભ્યની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે, જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ હજુ ફરાર છે. ઘરફોડ તસ્કરી કરતી ગેંગની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ચોરીની સમગ્ર સાજિશ અને ગેંગની કામગીરી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળ્યું છે.

*બંધ મકાનને નિશાન બનાવી રૂ. 14.17 લાખની ચોરી.!*

ગોવિંદનગર સ્થિત સહયોગનગર સોસાયટીના રહેવાસી સંકેત વિનોદ પંચાલ પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી તેમના બંધ મકાનમાં 19 જૂનના રોજ ત્રણ અજાણ્યા શખ્સોએ તાળું તોડી ચોરી કરી હતી. આરોપીઓએ મકાનમાંથી અંદાજે રૂ. 8.67 લાખના ચાંદીના દાગીના અને રૂ. 5.50 લાખની રોકડ મળી કુલ રૂ. 14.17 લાખથી વધુની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.દોઢ મહિનાની સતત તપાસ બાદ પોલીસે ઇન્દોરના આકાશનગર વિસ્તારમાં રહેતા વિશ્વજીતસિંહ સુરજીતસિંહ બરનાલાની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન તેણે કુંદનસિંહ બચપનસિંહ સિક્લીગર અને હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા સાથે મળીને ચોરી આચરી હોવાની કબૂલાત કરી હતી.

*પોલીસની ડ્યુટી બદલાતી વખતે જ ચોરી કરતી ગેંગ.*

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિક્લીગર ગેંગ ખાસ કરીને સવારે 4થી 6 વાગ્યાના સમયગાળામાં ચોરીને અંજામ આપે છે. આ સમયે પોલીસની ડ્યુટી બદલાતી હોવાથી તેમજ લોકો દૂધ, શાકભાજી લેવા કે મોર્નિંગ વોક માટે બહાર નીકળતા હોવાથી આરોપીઓ સહેલાઈથી ભીડમાં ભળી જાય છે.નંબર પ્લેટ વગરની બાઈક પર આવતી આ ગેંગ બંધ મકાનોની રેકી કરી પળવારમાં તાળાં તોડી કિંમતી સામાન ચોરી ફરાર થઈ જતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

*તસ્કરોએ ચોરી બાદ કપડાં બાળી પુરાવા નષ્ટ કર્યા.!*

ચોરી કર્યા બાદ આરોપીઓએ હાઇવેનો ઉપયોગ ટાળી ધામરડા–મેઘનગર–બદનાવરના અંતરિયાળ માર્ગે ઇન્દોર તરફ પલાયન કર્યું હતું. CCTVમાં ઓળખ ન થાય તે માટે પોતાના કપડાં ઉપર અન્ય કપડાં પહેર્યા અને પાઘડી ઢાંકવા સ્પોર્ટ્સ કેપનો ઉપયોગ કર્યો હતો.બાદમાં મધ્યપ્રદેશના બદનાવર નજીક ભેસાણ ચોકડી પાસે આવેલા જંગલમાં કપડાં અને કેપ બાળી નાંખી પુરાવા નષ્ટ કરી પોતાના મૂળ સ્વરૂપમાં ઇન્દોર તરફ ભાગી ગયા હતા. જોકે દાહોદથી ઇન્દોર સુધી CCTV ફૂટેજ ખંગાળતા ગેંગનો પર્દાફાશચોરી બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસે સ્માર્ટ સિટી અને અન્ય CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ ત્રણ શખ્સો બાઈક પર દાહોદથી મંડાવ ચોકડી થઈ ધામરડા તરફ જતા દેખાતા પોલીસે તેમનો પીછો કર્યો હતો. જેમાં દાહોદથી ઇન્દોર સુધીના અનેક CCTV ફૂટેજની ચકાસણી બાદ બદનાવર નજીક આરોપીઓની ઓળખ સ્પષ્ટ થતાં પોલીસ ઇન્દોરના દ્વારકાપૂરી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. ત્યાંથી મળેલા પુરાવાના આધારે ગેંગનો ભેદ ખુલ્યો અને એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી.

*આંતરરાજ્ય ગેંગનો ખુલાસો, 20 ટકાના ભાગની લાલચે જોડાયો આરોપી.!*

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદનસિંહ બચપનસિંહ સિક્લીગર સામે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા પણ વિવિધ રાજ્યોમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.ઝડપાયેલા વિશ્વજીત બરનાલાને ચોરીની રકમમાંથી 20 ટકા ભાગ આપવાની લાલચ આપી ગેંગમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચોરી માટે તેની નંબર પ્લેટ વગરની હોન્ડા સાઇન બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોરી બાદ તેણે તે બાઈક એક્સચેન્જમાં આપી નવી બાઈક ખરીદી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.પોલીસ હાલ ફરાર બંને આરોપીઓની શોધખોળ તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે વધુ તપાસ ચલાવી રહી છે.

Share This Article