દાહોદના રાછરડા–ખેંગ રેલવે લાઇન પર આરઓબીની તાત્કાલિક માંગ, સાંસદે રેલવે મંત્રી સમક્ષ કરી માંગ.!

Editor Dahod Live
2 Min Read

દાહોદના રાછરડા–ખેંગ રેલવે લાઇન પર આરઓબીની તાત્કાલિક માંગ.

આશરે 80 ગામોના હજારો લોકોને મળશે રાહત, સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલ મંત્રીને લખ્યો પત્ર

રાજેશ વસાવે: દાહોદ

દાહોદ, તા. 4 :

દાહોદ લોકસભા વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ તાલુકાના રાછરડા–ખેંગ રેલવે લાઇન ઉપર રેલવે ઓવરબ્રિજ (ROB)ના નિર્માણ માટે કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખી તાત્કાલિક મંજૂરી આપવા માંગણી કરી છે.

 

પત્રમાં જણાવ્યા મુજબ દાહોદ તાલુકાના રાછરડા વિસ્તારની આસપાસ આવેલા આશરે 80 જેટલા ગામો અને ફળિયાઓ, જેમાંથી ઘણા ગામો મધ્યપ્રદેશની સરહદ સાથે જોડાયેલા છે, તેઓ રેલવે લાઇનના કારણે અવરજવર માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં માત્ર બે અન્ડરપાસ ઉપલબ્ધ છે, પરંતુ તેનું કદ ખૂબ જ નાનું હોવાથી માત્ર બાઈક અને નાના વાહનો જ પસાર થઈ શકે છે. મોટા વાહનો, કૃષિ સાધનો, ટ્રેક્ટરો તેમજ ઇમરજન્સી સેવાઓ માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. ભારે વરસાદ સમયે અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી જવાની સ્થિતિ સર્જાય છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સાંસદે પોતાના પત્રમાં દાહોદને ‘આકાંક્ષી જિલ્લો’ (Aspirational District) તરીકે વિકસાવવામાં આવી રહ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે વિકાસની ગતિ જાળવી રાખવા માટે મજબૂત અને સુલભ પરિવહન સુવિધાઓ અનિવાર્ય છે. આ વિસ્તારમાં હજારો લોકોની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રાછરડા–ખેંગ રેલવે લાઇન ઉપર આરઓબીનું નિર્માણ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલ મંત્રીને આ મુદ્દે સકારાત્મક વિચારણા કરીને વહેલી તકે જરૂરી કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી છે, જેથી દાહોદ અને સરહદી વિસ્તારના લોકોને વર્ષભર સુરક્ષિત અને સરળ અવરજવરની સુવિધા મળી શકે.

Share This Article