દાહોદ જિલ્લાના ફતેપુરામાં કૌટુંબિક કલેશમાં પુત્રએ પિતાની લાકડીના ફટકા મારી કરી હત્યા
હત્યારા પુત્રને ફતેપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો
રિપોર્ટર બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.20
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામે એક ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે.જેમાં એક પુત્રએ પોતાના જ સગા પિતાની લાકડીના ફટકા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે.પત્નીને ઘરમાંથી કાઢી મૂકવા બાબતના પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ કરુણ અંજામ આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું છે.

મળતી વિગતો અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, આ ઘટના તારીખ ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૦૬:૩૦ વાગ્યાની આસપાસ કરમેલ ગામના નીશાળ ફળિયામાં બની હતી. આરોપી બાબુભાઈ વાલાભાઈ પારગીએ પોતાના ૭૦ વર્ષીય પિતા વાલાભાઈ રૂપાભાઈ પારગી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આરોપીએ પિતાને કહ્યું હતું કે, “તમે કેમ મારી પત્નીને ઘરમાંથી કાઢી દીધી છે?”આ બાબતે બોલાચાલી વધતા મામલો ઉગ્ર બન્યો હતો અને આવેશમાં આવીને પુત્ર બાબુભાઈએ ઘરમાંથી લાકડાનો ફટકો લાવી પિતા વાલાભાઈના માથાના પાછળના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે લોહીલુહાણ હાલતમાં વાલાભાઈને તાત્કાલિક સારવાર અર્થે ફતેપુરા સી.એચ.સી. (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર મામલે મૃતકના અન્ય પુત્ર કલજીભાઈ વાલાભાઈ પારગી (ઉંમર ૪૬ વર્ષ, ધંધો: ખેતી) એ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના સગા ભાઈ બાબુભાઈ વાલાભાઈ પારગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.જાડેજાએ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૧(૧) અને ૧૦૩(૧) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પારિવારિક ઝઘડામાં પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
