ફતેપુરાના કરમેલ ગામે કળિયુગનો કિસ્સો:નશાખોર પુત્રએ લાકડીના ફટકા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા
માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું
સુખસર,તા.19
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામમાંથી કૌટુંબિક હિંસા અને માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં એક નશાખોર પુત્રએ પોતાના જ સગા પિતા પર લાકડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ શનિવારની સવારે અંદાજે સાડા નવેક વાગ્યાની આસપાસ કરમેલ ગામમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. કોઈ અગમ્ય કારણોસર પુત્રએ નશાની હાલતમાં પોતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો.જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા પુત્રએ ઘરમાં પડેલી લાકડી વડે પિતા પર આડેધડ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
નશામાં ધૂત પુત્રએ પિતાના માથાના ભાગે લાકડીના સપાટા મારી દેતા પિતા લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા.માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
એકજ લોહીના સંબંધને કલંકિત કરતી આ ઘટનાને પગલે કરમેલ ગામ તેમજ મૃતકના પરિવારમાં ગમગીની સાથે ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
