ગાંગરડા પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો 170 બાળકોનો શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત શિક્ષણ, જળસંચય અને પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગાંગરડા પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો 170 બાળકોનો શાળા પ્રવેશ

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત શિક્ષણ, જળસંચય અને પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ

દાહોદ તા. ૨૪

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 170 જેટલા બાળકોનો શાળામાં પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વાલીઓને બાળકોના શિક્ષણ સાથે ટેકનોલોજી અને મોબાઈલનો સદુપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે આદિવાસી વિસ્તારોમાં સાયન્સ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની સુવિધાઓનો અભાવ હતો, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારોમાં સાયન્સ સ્કૂલો, એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની સ્થાપના થઈ રહી છે, જેના કારણે ગરીબ અને આદિવાસી પરિવારોના બાળકો પણ ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે.મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓનો લાભ સીધો જ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વધતા ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જળ સંચય અને પર્યાવરણ સુરક્ષાને સમયની માંગ ગણાવી હતી. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા ધારાસભ્યોને રૂ.50 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ વડાપ્રધાનની “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશપાત્ર કુલ 170 બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક નિયમોના પાલન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ શાળા પરિસરની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું અને એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article