સુખસર તાલુકાના પાટડીયા તળાવમાં નાહવા ગયેલા ગામના બે માસુમ બાળકોના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત* *શાળામાંથી પરત આવી બપોરે તળાવ ઉપર નાહવા જતા બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના પાટડીયા તળાવમાં નાહવા ગયેલા ગામના બે માસુમ બાળકોના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત*

*શાળામાંથી પરત આવી બપોરે તળાવ ઉપર નાહવા જતા બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા*

*મૃતક એક બાળક ગામની શાળામાં ધોરણ પાંચમાં જ્યારે બીજો બાળક નાલંદા વિદ્યાલય સુખસર ખાતે અભ્યાસ કરતો હતો*

 સુખસર,તા.24

 સુખસર તાલુકાના પાટડીયા ગામે ગામના તળાવમાં નહવા ગયેલા ગામના જ એક અગ્યાર વર્ષીય જ્યારે બીજો નવ વર્ષીય બાળક તળાવમાં ડૂબી જતા બંનેના મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.બંને બાળકોને તાત્કાલિક ગામ લોકોએ પાણીમાંથી બહાર કાઢી ઝાલોદ ખાનગી વાહનમાં ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના ડોક્ટર દ્વારા બંને બાળકોના મોત નીપજેલ હોવાનું જાહેર કરતા બંને બાળકોની લાશને પરત ઘરે લાવી તેની આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

        જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના પાટડીયા ગામે રહેતા દિલીપભાઈ નાનુભાઈ ભગોરા નો પુત્ર પ્રિન્સ રાજ ઉંમર વર્ષ 11 પાટડીયા મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો.જે મંગળવારના રોજ શાળામાં જઈ પરત બપોરે ઘરે આવ્યો હતો.અને હાલ તેના માતા પિતા મહેસાણા બાજુ મજૂરી કામે ગયેલા હતા.અને પ્રિન્સ તેના દાદા દાદી પાસે રહેતો હતો.અને બપોર બાદ ત્રણેક વાગ્યાના અરસામાં કુટુંબી ભાવેશભાઈ સવસીંગભાઇ ભગોરાના પુત્ર ઋત્વિકભાઈ ઉંમર વર્ષ 9 જે નાલંદા વિદ્યાલય મકવાણાના વરુણા સુખસર ખાતે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અને તેના પિતા મહેસાણા બાજુ મજૂર કામે ગયેલા હતા.આ બંને કુટુંબી ભાઈઓ અને અન્ય છોકરાઓ પાટડીયા તળાવમાં નાહવા માટે ગયેલ હતા.જ્યાં પ્રિન્સ તથા ઋત્વિક તળાવના પાણીમાં નાહવા માટે પડ્યા હતા.જ્યારે સાથે આવેલા બાળકો તળાવ ઉપરથી ઘરે જઈ પ્રિન્સ તથા ઋત્વિક તળાવમાં નાહવા માટે પડ્યા હોવાની ઘરના સભ્યોને વાત કરતા ઘરના સભ્યો તાત્કાલિક તળાવ ઉપર દોડી ગયા હતા.

       જ્યાં જોતા આ બંને છોકરાઓ જોવા મળ્યા ન હતા.પરંતુ ઋત્વિકનો શર્ટ તળાવ કિનારે પડેલ જોવા મળ્યો હતો.અને આ બંને બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતા બૂમાબૂમ કરવામાં આવી હતી.જેથી આસપાસના લોકોએ તળાવ ઉપર દોડી આવી આ બંને બાળકોની તળાવમાં શોધખોળ કરી હતી.અને આ બંને બાળકોની લાશો સાંજના છ વાગ્યાના અરસામાં પાટડીયા તળાવમાંથી મળી આવી હતી પરંતુ બચાવવાના હેતુથી આ બંને બાળકોને ખાનગી વાહનમાં ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના ડોક્ટર દ્વારા બંને બાળકો મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું.જેથી મોડી રાત્રે બંને બાળકોની લાશો પાટડીયા ગામે ઘરે લાવવામાં આવી હતી.એક જ પરિવારના બે માસુમ બાળકોના આકસ્મિક મોત નીપજતા પરિવારમાં હાહાકાર સાથે રોકકળ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે. 

        અહીંયા જણાવવું જરૂરી છે કે, બંને બાળકો પોતાના માતા પિતાના એક-એક પુત્ર હતા.અને આ બંને બાળકો કાકા કાકાના ભાઈઓ થાય છે.તેમજ પોતાના મકાનથી પાટડીયા તળાવ અડધો કિ.મી જેટલું દૂર આવેલું છે.ઉપરોક્ત બાબતે મૃતક બાળકોના માતા પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે પંચનામા બાદ બંને લાશોને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં ખસેડવાની અને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article