બાબુ સોલંકી :- સુખસર
*સુખસર ગ્રામસભામાં સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ અંગે મહત્વના નિર્ણયો લેવાયા*
*જાહેર સ્થળો ઉપર બાંકડા મુકવાની,સ્મશાન,કબ્રસ્તાન તેમજ આસપુર ચોકડી ખાતે જાહેર શૌચાલયો બનાવવા રજૂઆત કરાઈ*
સુખસર,તા. ૫
સુખસર ગામમાં યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસ, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોના સૂચનો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને ગામને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.ગ્રામસભામાં જાહેર સ્થળોએ લોકો માટે બેસવાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી બાંકડા મુકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત સ્મશાન, કબ્રસ્તાન તેમજ આસપુર ચોકડી ખાતે જાહેર શૌચાલયોના નિર્માણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા ગામના મુખ્ય રસ્તાઓની બંને બાજુ તેમજ અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ અને ફૂલછોડ વાવવાની યોજના પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. ગામની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગટર લાઈનોની નિયમિત સફાઈ, મેઈન બજાર વિસ્તારમાં અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા, કચરાની ગાડી અને ડસ્ટબીનની વ્યવસ્થા ઉભી કરવા તેમજ જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ગામમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ માટે મોજા અને માથા પર કવર પહેરવું ફરજિયાત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામના તમામ ફળિયાઓમાં સમયસર પીવાના પાણીનું વિતરણ, બંધ પડેલા નાળાઓ અને જૂના પાણીના ટાંકાના પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોનું તાત્કાલિક સમારકામ કરવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ગ્રામસભામાં સરપંચ,તલાટી કમ મંત્રી સહિત ગ્રામજનો તથા તાલુકા નરેગા કચેરીમાંથી ટેકનિકલ ઓફિસર જીગર ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ગ્રામસભામાં ઉપસ્થિત લોકોએ ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતને સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગામને સ્વચ્છ, હરિયાળું અને આદર્શ બનાવવા માટે સૌ ગ્રામજનોના સહયોગની અપીલ કરવામાં આવી હતી.
