રાજેશ વડાવે :- દાહોદ
દાહોદ APMC ચૂંટણીમાં ભાજપનો આંતરિક ભડકો: ચેરમેન પદની ચૂંટણી મોકૂફ, પક્ષના જ ડિરેક્ટરોએ મેન્ડેટ સામે બળવો કર્યો
દાહોદ તા. ૦૪

દાહોદ કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)ના ચેરમેન પદની ચૂંટણી દરમિયાન ગુરુવારે અણધારી રાજકીય નાટકીયતા જોવા મળી હતી. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પક્ષના જ કેટલાક ડિરેક્ટરોએ પક્ષના મેન્ડેટ સામે નારાજગી વ્યક્ત કરતાં ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકી ગઈ અને ચૂંટણી અધિકારીએ સમગ્ર પ્રક્રિયા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ સવારે 11 વાગ્યે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. કુલ 18 સભ્યોની હાજરીમાં પંચમહાલ જિલ્લા રજીસ્ટ્રાર તથા ચૂંટણી અધિકારી દિનેશ ખેરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. હાજર સભ્યોમાં ભાજપના 8 ડિરેક્ટરો, કોંગ્રેસના 2 ડિરેક્ટરો, વેપારી વિભાગના 4 ભાજપ સમર્થિત ડિરેક્ટરો, સંઘના 2 પ્રતિનિધિઓ તેમજ 2 સરકારી અધિકારીઓનો સમાવેશ થતો હતો. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના સભ્યની નિમણૂક હજુ બાકી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની તૈયારી વચ્ચે ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટમાં સમાવિષ્ટ નામને લઈને કેટલાક ડિરેક્ટરોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ડિરેક્ટરોએ “ચર્ચા કરીને આવીએ છીએ” એવું કહી સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, તેમણે પોતાની નારાજગી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નહોતી.બહાર ગયેલા સભ્યો બપોરે 1 વાગ્યા સુધી પરત ન ફરતાં અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ન લેતાં ચૂંટણી અધિકારીએ નિયમો મુજબ ચેરમેન પદની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચેરમેન પદ માટે પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારના નામને લઈને લાંબા સમયથી આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પોતાના જ ડિરેક્ટરો દ્વારા મેન્ડેટ સામે વોકઆઉટ કરવામાં આવતાં પક્ષની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આવી ઘટના દુર્લભ માનવામાં આવે છે, જ્યાં બહુમતી ધરાવતો પક્ષ પોતાના આંતરિક મતભેદોના કારણે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો હોય. ચૂંટણી મોકૂફ રહેતાં સમગ્ર જિલ્લામાં રાજકીય તથા સહકારી ક્ષેત્રમાં આ ઘટનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.હાલ ચૂંટણીની નવી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણી અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ કક્ષાએ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.
