રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ‘પુષ્પા’ સ્ટાઈલમાં દારૂની હેરફેર.!
જેસાવાડા પોલીસે ટ્રેક્ટરના ચોરખાના માંથી 95 હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો..
ગરબાડા / દાહોદ તા. ૧૦
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે, પરંતુ દાહોદની જેસાવાડા પોલીસે બુટલેગરોના ‘માસ્ટર માઈન્ડ’ પ્લાન પર પાણી ફેરવી દીધું છે. ફિલ્મી પડદે જે રીતે ‘પુષ્પા’ મૂવીમાં ચંદન ચોરી માટે ગુપ્ત ખાનાનો ઉપયોગ થતો હતો, બરાબર એ જ રીતે ટ્રેક્ટરની ટ્રોલીમાં દારૂ છુપાવીને લઈ જતી ગેંગનો જેસાવાડા પોલીસે પર્દાફાશ કર્યો છે.
*કેવી રીતે પકડાયો જથ્થો?*
જેસાવાડા પોલીસ મથકના પી.આઈ.ના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે આંબલી જવાના રોડ પર એક શંકાસ્પદ ટ્રેક્ટર નજરે પડ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય દેખાતા આ ટ્રેક્ટરની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રેક્ટરની ટ્રોલીની નીચે ખાસ ગુપ્ત ખાના બનાવ્યા હતા. પરંતુ પોલીસે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી 95,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને 4 લાખનું ટ્રેક્ટર મળી કુલ ₹ 4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિદેશી દારૂની હેરફેરમાં વોન્ટેડ બુટલેગર શૈલેષ નર્સિંગ બામણીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેસાવાડા પોલીસની આ સતર્કતાને કારણે પંથકમાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
