*ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજ માટે મહુડો માત્ર વૃક્ષ નહીં,આદિવાસી સંસ્કૃતિ,અર્થતંત્ર અને આરોગ્યનો આધારસ્તંભ* *આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટે મહુડો માત્ર વૃક્ષ નથી, પરંતુ તેની જીવન જરૂરિયાતો પૂરું કરતુ કલ્પવૃક્ષ છે*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજ માટે મહુડો માત્ર વૃક્ષ નહીં,આદિવાસી સંસ્કૃતિ,અર્થતંત્ર અને આરોગ્યનો આધારસ્તંભ*

*આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટે મહુડો માત્ર વૃક્ષ નથી, પરંતુ તેની જીવન જરૂરિયાતો પૂરું કરતુ કલ્પવૃક્ષ છે*

સુખસર,તા.23

 સુખસર તથા ફતેપુરા તાલુકાના પહાડી અને જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ ગણાતા મહુડાના વૃક્ષો અત્યારે ગ્રામ્ય જનતા માટે “સોના જેવી” આવક વરસાવી રહ્યા છે.વસંત ઋતુની વિદાય અને ઉનાળાની શરૂઆત સાથે જ મહુડાના ફૂલ (ગુલ) ટપકવાની સીઝન શરૂ થતાં સ્થાનિક આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ અને આર્થિક ચેતના જોવા મળી રહી છે.વહેલી સવારથી જ સીમ-વગડામાં ચહલ પહલ

ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારના ચાર વાગ્યાથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ ટોપલા અને પોટલાં લઈને સીમ-વગડા તરફ દોડી જાય છે. 

આખા પરિવારો મહુડાના ફૂલ એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.આ વિસ્તારના ગરીબ પરિવારો માટે મહુડો માત્ર એક વૃક્ષ નથી.પરંતુ તેમની જીવન જરૂરિયાતો પૂરી કરતું “કલ્પવૃક્ષ” સમાન બની ગયું છે.

     ઐતિહાસિક રીતે જોવામાં આવે તો ૨૦મી સદીમાં જે પરિવાર પાસે વધુ મહુડાના વૃક્ષો હોય તે સૌથી વધુ સમૃદ્ધ માનવામાં આવતો હતો. અગાઉના સમયમાં લગ્ન નક્કી કરતી વખતે પણ વર પક્ષ પાસે કેટલા મહુડાના ઝાડ છે તે ધ્યાનમાં લેવામાં આવતું હતું.જેથી કન્યાનું ભવિષ્ય સુખમય રહે તેવો વિશ્વાસ રાખવામાં આવતો હતો.આજે પણ લગ્ન પ્રસંગો અને સામાજિક ખર્ચાઓ માટે મહુડાના ફૂલનું વેચાણ પૂરક આવકનું મુખ્ય સાધન બની રહ્યું છે.

       ફૂલથી ‘ડોળી’(ફળ) સુધીનો ઉપયોગ મહુડાના ફૂલને શેકીને ખાવામાં આવે છે.જે પરંપરાગત ખોરાકનો મહત્વપૂર્ણ ભાગ છે.ફૂલની સીઝન પૂર્ણ થયા બાદ આશરે દોઢ મહિના પછી આ વૃક્ષ પર ‘ડોળી’ નામનું ફળ બેસે છે.આ ડોળીને સૂકવીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો આ તેલનો ઉપયોગ રસોઈ માટે કરીને આત્મનિર્ભર રહેતા હતા.

        કોઈ વ્યક્તિના હાથ કે પગ પર સોજો આવી જાય તો મહુડાના ફૂલને ગરમ કરીને અસરગ્રસ્ત ભાગ પર બાંધવામાં આવે છે.સ્થાનિક લોકોના માન્યતા મુજબ આ ઉપાયથી સોજામાં રાહત મળે છે.આ દર્શાવે છે કે આજના આધુનિક યુગમાં પણ મહુડો પરંપરાગત દવા તરીકે વિશ્વાસપૂર્વક ઉપયોગમાં લેવાય છે.

ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહુડાની આ સીઝન સ્થાનિક લોકો માટે આવકનું મુખ્ય સાધન બની રહી છે. 

         સુખસર પંથકમાં મહુડાના ફૂલનું વેચાણ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યું છે.અને આદિવાસી સંસ્કૃતિ તથા પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરે છે.

Share This Article