લૂંટ બાદ હત્યાની આશંકા વચ્ચે પોલીસની અલગ અલગ ટીમોની તપાસ શરૂ.. ઝાલોદમાં શંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ નદી કિનારેથી મળતા ચકચાર

Editor Dahod Live
2 Min Read

લૂંટ બાદ હત્યાની આશંકા વચ્ચે પોલીસની અલગ અલગ ટીમોની તપાસ શરૂ..

ઝાલોદમાં શંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ નદી કિનારેથી મળતા ચકચાર

દાહોદ તા.12

ઝાલોદ તાલુકાના માછલાળા નદીના કિનારેથી એક પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મરણ જનાર આ પુજારી ઝાલોદના ડુંગરી ફળિયામાં આવેલા રામદેવ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે હવે તેમની શંકાસ્પદ મોતના પગલે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસની સાથે જિલ્લાની અલગ અલગ ટીમોએ આ પ્રકરણનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ડુંગરા ગામના રામદેવજી મંદિરના પુજારી નગીનભાઈ વિરાભાઈ ભુનાતર, ઉંમર આશરે 55 વર્ષ, નો મૃતદેહ થેરકા ગામે પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે મળી આવ્યો હતો. પૂજારીના મૃતદેહને ખેતી કામ કરતા સ્થાનિક લોકોને મૃતદેહ નજરે પડતાં તેમણે તરત જ પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ સમગ્ર મામલે ઝાલોદ પોલીસને માહિતી આપતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.ઘટનાની ગંભીરતા જોતા ડીવાયએસપી ડી.આર. પટેલ અને પી.આઈ રવિ ગામીત સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સાથે જ દાહોદ જિલ્લા SOG અને LCBની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.પોલીસ દ્વારા FSL અને ડોગ સ્કવોડની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં પૂજારીની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે મૃતદેહ પર સોના-ચાંદીના કોઈ આભૂષણ જોવા મળ્યા નથી.મૃતકના શરીર પર ઈજાના નિશાન મળતા પરિવારજનોએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.હાલ ઝાલોદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Share This Article