રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:9.32 કરોડ રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો..
A/B ડિવિઝન, કતવારા અને રેલવે પોલીસની સંયુક્ત કામગીરી; પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીની હાજરીમાં કાર્યવાહી
દાહોદ તા.27

દાહોદ જિલ્લામાં પોલીસે આજ રોજ આરટીઓ ચેકપોસ્ટ પાસે ખુલ્લા મેદાનમાં અલગ અલગ પોલીસ મથકોમાં પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે. જેમાં દાહોદ — દાહોદ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અંદાજે 9 કરોડ 32 લાખ રૂપિયાના વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

આ મુદ્દામાલ દાહોદ A/B ડિવિઝન, કતવારા પોલીસ મથક તેમજ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ કેસોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયામાં દરમિયાન પ્રાંત અધિકારી,નશાબંધી અધિકારી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં કોર્ટની મંજૂરી બાદ જપ્ત કરાયેલા દારૂનો જાહેરમાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો હોવાથી અહીંથી દારૂની હેરફેરના પ્રયાસો વારંવાર સામે આવતા રહે છે.માહિતી મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી બુટલેગર તત્વો અવનવા કીમીયા અજમાવી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ સરહદી વિસ્તારોમાં પોલીસની સઘન ચેકિંગ અને બાતમીદારોના મજબૂત નેટવર્કના કારણે મોટાભાગના કેસોમાં દારૂ ઝડપાઈ જાય છે.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદેસર દારૂના વ્યવસાય વિરુદ્ધ આ અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે. અને કાયદો અને વ્યવસ્થા જાળવવા દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપે છે.
