લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામે આઇસર ગાડીની અડફેટે ટ્રેક્ટરમાં સવાર 7 મજૂરો ઇજાગ્રસ્ત.
દાહોદના મજૂરો કડી મુકામે મજુરી અર્થે જતા લીમખેડા નજીક નડ્યો અકસ્માત…
આઇસર ગાડીનો ચાલક ફરાર, લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો..
લીમખેડા તા.27
લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે નેશનલ હાઈવે પર પૂર ઝડપે જતા આઇસર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલતા ટ્રેક્ટરની ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મજૂરી અર્થે બહારગામ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં સવાર ટ્રેક્ટરના ચાલક સહિત સાત જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે નજીકના દવાખાને ખસેડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. મંગલ મહુડી નજીક સર્જાયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં એક મહિલાનો પણ સમાવેશ થયો છે જ્યારે અકસ્માત સર્જનાર આઇસર ગાડીનો ચાલક ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ જતા લીમખેડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના મુવાલિયા ગામના કિંજલબેન રાજુભાઈ પારગી,રાજુભાઈ ગુમજીભાઈ પારગી, મોટી ખરજ ગામના નરસિંગભાઈ વાલજીભાઈ સંગાડીયા તેમજ પિન્ટુભાઈ વજીયાભાઈ સંગાડીયા, ગરબાડા તાલુકાના વડવા ગામના કાજુભાઈ કસુડાભાઈ બિલવાળ, કરસનભાઈ કસુડાભાઈ બિલવાળ,તથા નાની ખરજ ગામના પપ્પુભાઈ મંગાભાઈ તાવીયાડ સહિતના મજૂરો ભેગા મળી મહેસાણા તાલુકાના કડી મુકામે મજૂરી અર્થ જવાના હોંઈ સાંજના છ વાગ્યાના સુમારે ગરબાડા ચોકડીથી રાજુભાઈ ગુમજીભાઈ તેમજ મિથુનભાઈ તેતરીયા ભાઈ સંગાડાના Gj-20-AQ-6847 નંબરના ટ્રેક્ટરમાં બેસી નીકળ્યા હતા અને રસ્તામાં મંગલ મહુડી નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પાછળથી પૂર ઝડપે આવી રહેલા Gj-16-B-7573 નંબરના આઇસર ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે હંકારી લાવી આગળ ચાલી રહેલા ટ્રેક્ટરની Gj-17-T-8478 નંબરની ટ્રોલી ને અડફેટમાં લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર ઉપરોક્ત મજૂરોને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ 108 મારફતે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત સર્જનાર આઇસર ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો..
ઉપરોક્ત બનાવ સંદર્ભે દાહોદ તાલુકાના મુવાલિયા ગામના કિંજલબેન રાજુભાઈ પારગીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આઇસર ગાડી ના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.