દાહોદ તાલુકાના જાલત ગામે હાઇવે પર બાઇક સ્લીપ ખાતા એકનું મોત: એક ઇજાજાગ્રત

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના જાલત ગામે હાઇવે પર બાઇક સ્લીપ ખાતા એકનું મોત: એક ઇજાજાગ્રત

 

દાહોદ તા.૨૮

 

દાહોદ તાલુકાના જાલત ગામે હાઈવે રોડ પર એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.

 

ગત તા. ૨૬મી જુલાઈના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકામાં માતાસુલા ગામે ડુંગરા ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ રામસીંગભાઈ વસુનીયા અને તેમની સાથે કમલેશભાઈ વિરૂભાઈ ડામોર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદ તાલુકાના જાલત ગામેથી હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે પ્રતાપભાઈ દ્વારા પોતાના કબજાની મોટરસાઈકલને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે પ્રતાપભાઈ અને મોટરસાઈકલની પાછળ બેઠેલ કમલેશભાઈ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતા કમલેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન કમલેશભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે પ્રતાપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓ હાલ સારવાર લઈ રહ્યાં છે.

 

આ સંબંધે ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના માતાસુલા ગામે ડુંગરા ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ રામસીંગભાઈ વસુનીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article