દાહોદ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ: રવિવારે સાંજે ત્રણ ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી..

Editor Dahod Live
3 Min Read

રાજેન્દ્ર શર્મા ,દાહોદ લાઈવ ડેસ્ક

 

 

દાહોદ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ: રવિવારે સાંજે ત્રણ ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી..

 

 

દાહોદ તા.૧૧

 

દાહોદ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતને છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા ધમરોળી રહ્યા છે. તેવા સમયે ગતરોજ રવિવારની મોડી સાંજે અંદાજે પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને હંમેશની જેમ સ્ટેશન રોડ હાઈસ્કુલ પાસે બેટ જેવી સ્થિતિ સર્જાતા એક તરફનો રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. સાથે સાથે સમગ્ર જિલ્લામાં પણ મેઘમહેર વરસી હતી.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી મેહુલીયો મનમુકીને વરસી રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લામાં ઓછો વરસાદ થતા ધરતીપુત્રો ચિંતીત બન્યા હતા ત્યારે ગતરોજ રવિવારે મોડી સાંજે મેઘરાજા સમગ્ર દાહોદ જિલ્લા પર મહેરબાન બન્યા હતા. અને દાહોદમાં માત્ર એકથી દોઢ કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ભારે પવન સાથે ખાબકાતા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાતા લોકો મુશ્કેલીઓમા મુકાયા હતા કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ભરાતા નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. શહેરના સ્ટેશન રોડ ખાતેના હાઈસ્કુલ તરફનો રોડ જળબંબાકાર થઈ જતા કોઈ હોનારત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા તે રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફીકને બીજી તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. શહેરની તાલુકા પંચાયત કચેરી આગળ રોડ પર ઘુંટણ સમા પાણી ભરાયા હતા. પ્રિમોન્સુન કામગીરીની મોટી મોટી ડીંગો મારતી દાહોદ નગરપલિકાની કામગીરીની એક જ વરસાદે પોલ ખોલી નાખી હતી. શહેરના સ્ટેશન રોડ પર દર વખતે આ પરિસ્થિતી સર્જાય છે. અને તે ન સર્જાય તે માટે પાલિકા દ્વારા દરવખતે કામગીરી કરાય છે. રૂપિયા ખર્ચાય છે પરંતુ પરિસ્થિતીમા કોઈ ફેર ના પડતા પૈસા પાણીમાં જાય છે. આ તે કેવી કામગીરી હાલ બનાવેલા ડામર રોડ પર પણ એક જ વરસાદમાં મોટા મોટા ખાડાઓ પડી જતા તે ખાડાઓ ભ્રષ્ટાચારની ચાડી ખાતા જાેવા મળી રહ્યા હતા. ઠેર ઠેર ગટરો પણ ચોકઅપ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ અટકી જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

દાહોદ શહેરની સાથે જિલ્લામા સવર્ત્ર મેઘમેહર વરસી હતી જેમાં જિલ્લાના ગરબાડામાં – ૧૩ મીમી, ઝાલોદમાં-રપ મીમી, દે.બારીયામા ૪૪ મીમી, ધાનપુરમા ૭ મીમી, ફતેપુરામાં ર૦ મીમી, લીમખેડામાં ૧ર મીમી, સંજેલીમાં ૪૦ મીમી તથા સીંગવડમા રર મીમી વરસાદ થયો હોવાના સત્તાવાર અહેવાલ છે. ઝાલોદ નગરમાં એક ઈંચ વરસાદ ખાબકાતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.

 

 

Share This Article