Friday, 21/01/2022
Dark Mode

ફતેપુરા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમથી રાજકીય ગરમાવો.

November 27, 2021
        784
ફતેપુરા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમથી રાજકીય ગરમાવો.

બાબુ સોલંકી , સુખસર

ફતેપુરા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમથી રાજકીય ગરમાવો.

ભાવિ ઉમેદવારો દ્વારા પ્રજાને વિવિધ પ્રલોભનો આપવાની શરૂઆત.

પ્રજાની સેવા કરવા ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું તે સ્વતંત્ર ભારતની કમનસીબી છે.

શિયાળાના શુભારંભની ફુલગુલાબી ઠંડીના વાતાવરણમાં ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ સંભળાતા સરપંચ તથા સભ્યપદના ભાવિ ઉમેદવારો ગેલમાં આવી ગ્રામ્ય પ્રજાને હાલથી જ કોણીએ ગોળ ચોટાડી પોતાની જીત માટે નીત નવી તરકીબો અજમાવી,પ્રજાને વિવિધ પ્રલોભનો આપી પોતાની તરફ આકર્ષી રહ્યા હોવાનું જોવા અને જાણવા મળે છે.
જ્યારે ચાલુ સરપંચ પદ ઉપર બિરાજમાન કેટલાક સરપંચો ચાર વર્ષ દસ માસમાં પ્રજા વિકાસ માટે કામો કરી શક્યા નથી તેઓ હાલ પ્રજાને પોતાની તરફ આકર્ષવા માટે માટે વચનોની લહાણી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં લોકજાગૃતિનો અભાવ જોવા મળે છે તેવા ગામડાઓના સરપંચની એક સીટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવવા થનગની રહ્યા હોવાનું જાણવા મળે છે.પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પ્રજાની સેવા કરવા માટે ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું તે સ્વતંત્ર ભારતની કમનસીબી છે.સત્તા વગર પ્રજાની સેવા કરવામાં જે શક્તિ અને સંતોષ મળે છે તે કદાચ સત્તા થી કરેલ કામ કરતા અનેક ગણું ચડિયાતું હોય છે.
જો એક જ ગામડામાંથી અનેક લોકો ઉમેદવારી કરવાને લાયક હોય અને ચૂંટણી જીતી સરપંચ બનવાની ક્ષમતા ધરાવતા હોતતો આઝાદીના સાત દાયકા બાદ ફતેપુરા તાલુકામાં ગરીબી,બેકારી અને ભ્રષ્ટાચાર સદંતર નાબૂદ થઈ ગયો હોત.જોકે મોટાભાગના સરપંચની બેઠક માટે ઉભા રહેનાર ભાવિ ઉમેદવારોમાં ગ્રામ પંચાયતના નીતિ નિયમોની જાણકારી નો અભાવ હોવાનું જણાઈ આવે છે. છતાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોના મનમાં એક લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી હોય છે કે,સરપંચની સીટ ઉપર જીત મેળવ્યા બાદ એક વગર મહેનતે ગરીબ,અબુધ લોકોના નસીબમાંથી કોળિયા ઝૂંટવાઈ માટેનું અને સરકારને અંધારામાં રાખી કૌભાંડો આચરવા માટેનું આસાન પદ છે તેમ માની પોતાનામાં લાયકાત નહી હોવા છતાં તેવા ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા હોય છે.પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી છે.ત્યારે આવા શેખચલ્લીના સ્વપ્નોમાં રાચતા તકવાદી લોકોએ ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી દૂર રહેવું જોઈએ.
ફતેપુરા તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે.તેવા સમયે ચૂંટણીમાં ઝંપલાવનાર જુના-નવા ભાવિ ઉમેદવારોમાં જાણે હૃદય પરિવર્તનનો આંચળો ઢંકાતો જતો હોવાનું નજરે જોતા જણાઈ આવે છે. પરંતુ પ્રજાએ જાગૃતિ દાખવવાની જરૂરત છે.
આગામી સમયમાં ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારોનો રાફડો ફાટવાની સંભાવના જણાઈ રહી છે.તેમજ સરપંચ તથા સભ્યોના ભાવિ ઉમેદવાર પોતાની જીત થશે તો વિવિધ લાભ આપવા પ્રજાને આશ્વાસનો આપી રહ્યા છે. ત્યારે પ્રજાએ યાદ રાખવું જોઈએ કે, કોણ ઉમેદવાર ગામનો સરપંચ બનવા યોગ્ય ઉમેદવાર છે?અને આ ઉમેદવાર ગ્રામ વિકાસના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે કે કેમ? તેમજ આગળ તેણે પ્રજા માટે કેટલા અને કેવા કામો કર્યા? હવે તે ચૂંટાશે તો પ્રજાના કાર્યોમાં સાથ સહકાર આપશે કે કેમ?તેની ચકાસણી કર્યા બાદ જ વોટ આપવા જોઈએ. મોટાભાગે ચૂંટણી લડતા ઉમેદવારો ચુંટણીના સમયે પ્રજાને બે હાથ જોડી, બે મીઠા બોલે તેને વોટ આપી વિજયી બનાવતા હોય છે.અને વિજયી થયા બાદ જીતેલા ઉમેદવાર દ્વારા નહી જોવું, નહી બોલવું અને નહી સાંભળવું નીતિ અપનાવી પ્રજાને આપેલા વચનો ભૂલી સત્તા અને પ્રતિષ્ઠાના મધમાં રાચતા હોય છે. ત્યારે પ્રજાએ કોઈપણ વ્યક્તિ કે પક્ષની શેહશરમ રાખ્યા વિના ગામના હિતને ધ્યાનમાં રાખી મતદાન કરવું તે મતદાતાનો અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!