
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં શાકભાજીના વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી આડેધડ વસુલાતા ભાવો.
એકજ શાકભાજીના અલગ-અલગ દુકાને જુદા-જુદા ભાવ વસુલાત કરવામાં આવી રહ્યા છે.
દર ગુરુવારના હાટ બજારમાં શાકભાજીના વેપારીઓ ગ્રાહકોને વજનમાં પણ છેતરપિંડી કરતા હોવાની ઉઠેલી બુમો.
સુખસરમાં કેટલાક વેપારીઓ બગડેલા શાકભાજી તથા ફળફળાદી વળગાડી ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.31
જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોના કાળથી પ્રજાને રોજગારી માટે ફાફાં પડી રહ્યા છે.મધ્યમ તથા ગરીબ વર્ગના લોકો અસહ્ય ભાવવધારા સામે તોબા પોકારી રહ્યા છે.અનેક પરીવારો બે ટંકના રોટલા ભેગા થવા માટે કણ-કણ ભેગુ કરવા માટે હવાતિયા મારી રહ્યા છે.ત્યારે પ્રાથમિક જરૂરિયાતોની ચીજ વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારાના કારણે ન કહી શકાય કે ન સહી શકાય તેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે.અને તેવા જ સમયે કેટલાક તકવાદી તત્વો કેટલીક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માં કુત્રિમ ભાવ વધારો કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પ્રજાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે.ત્યારે તેવા તત્વો સામે લાગતા-વળગતા તંત્રો એ સક્રિયતા દાખવવાની ખૂબ જ જરૂરત જણાઈ રહી છે.
હાલ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનાં ભાવો વધી ગયા છે. તેની સાથે-સાથે શાકભાજીના પણ ભાવો વધ્યા છે.અને તેના માટે વાંધો ન હોઈ શકે.પરંતુ સુખસરમાં શાકભાજીના વેપારીઓ દ્વારા ગરીબ, શ્રમિક,અભણ લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાઇ રહ્યો છે.તેમાં કેટલાક શાકભાજીના વેપારીઓ ગ્રાહક જોઈને ભાવતાલ કરી ભાવો વસુલાત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમજ એકજ શાકભાજીના ભાવ અલગ-અલગ દુકાનો ઉપર જુદા જુદા જોવા મળે છે.અને તે પણ 1 કિલો શાકભાજી પાછળ પાંચથી દસ રૂપિયાનો ફરક જોવા મળે છે.તેમજ કેટલાક શાકભાજીના વેપારીઓ 1 કિલો શાકભાજીના દાખલા તરીકે 40 રૂપિયા ભાવ બતાવતા હોય છે.જ્યારે 1 કિલોથી ઓછી શાકભાજી ખરીદતા આ શાકભાજી 50 થી 60 રૂપિયામાં ગ્રાહકને પડતી હોય છે.આમ શાકભાજીના વેપારીઓ ગ્રાહકને વધુ શાકભાજી ખરીદવા મજબૂર બનાવી ધોળા દિવસે લૂંટી રહ્યા છે.તેમજ કેટલાક શાકભાજી તથા ફળફળાદી ના વેપારીઓ દિવસો કે અઠવાડિયાઓની આરોગ્યને હાનિકારક શાકભાજી તથા ફળ ફળાદીનું પણ વેચાણ કરતા જોવા મળે છે. જોકે આ વેપારીઓને ઉની આંચ પણ આવતી નથી.અને તેઓને અંકુશમાં લાવવા કોઈ તંત્ર સક્રિય હોય તેવું જણાતું નથી.
સુખસરમાં દર ગુરૂવારે ભરાતા હાટ બજારમાં શાકભાજીના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવે છે.
સુખસરમાં દર ગુરુવારે હાટ બજાર ભરાય છે.તેમાં સ્થાનિક સહિત બહારથી પણ શાકભાજીના વેપારીઓ મોટી સંખ્યામાં આવે છે.તેમાં કેટલાક વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને તોલમા પણ 1 કિલો શાકભાજી ખરીદતા 100 થી 200 ગ્રામ ઓછી આપી વજનમાં પણ છેતરપિંડી કરવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે.ત્યારે સુખસરમાં દર ગુરૂવારે ભરાતા હાટબજારની લાગતા-વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પણ ખાસ જરૂરી છે.બીજી બાજુ જાણકારોના મતે કોરોનાની ત્રીજી લહેર સંભવિત હોવાનું જણાવાય છે,ત્યારે શાકભાજીના વેપારીઓ સહિત ગ્રાહકો માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સ ના ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે. તે બાબતે પણ ધ્યાન આપવાની જરૂરત છે.
સુખસરમાં શાકભાજીના વેપારીઓ હાઈવે માર્ગની બાજુમાંજ બેસી ધંધો કરતા હોય મોટી જાનહાનિ ની રાહ જોતું તંત્ર !??
સુખસર ગામ ધંધાર્થીઓથી દિન-પ્રતિદિન આગળ ધપી રહ્યું છે. તેમજ દિવસ દરમિયાન બસ સ્ટેશન વિસ્તારથી આસપુર ચોકડી સુધીના હાઈવે માર્ગ ઉપર હજારો રાહદારી લોકો અને સેંકડો નાની-મોટી ગાડીઓ ની અવરજવર રહે છે.ત્યારે આ હાઇવે માર્ગની સાઇડમાંજ શાકભાજી ના વેપારીઓ પોતાનો ધંધો કરવા બેસી જતા હોય ટ્રાફિકની સમસ્યા પણ દરરોજની રહે છે.તેમજ બસ સ્ટેશન આસપાસમાં પણ ધંધાર્થીઓ દ્વારા હાથલારીઓ ઉભી કરી દેવાતા અને ખાનગી વાહનો જમાવડો થતાં ટ્રાફિકની સાથે અવર-જવર કરતી એસ.ટી બસો અને મુસાફરોને તકલીફ પડી રહી છે.છતાં તે બાબતે તંત્ર મૌન સેવી રહ્યું છે.જ્યારે આ હાઇવે માર્ગની સાઈડમાં વેપારીઓ દ્વારા શાકભાજી વિગેરેની દુકાનો ઊભી કરી દેવામાં આવતા ક્યારેક મોટી જાનહાનિ થવા નો ભય સતાવી રહ્યો છે.ત્યારે આવા ધંધાર્થીઓની મોટી જાનહાનિ થવાની તંત્ર દ્વારા રાહ જોવાતી હોય તેવું જણાઈ રહ્યું છે.રાત દિવસ પ્રજા તથા વાહનોથી ભરચક રહેતા સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધીના હાઈવે માર્ગની સાઈડમાં દિવસ દરમિયાન થતા દબાણો દૂર કરી આ ધંધાર્થીઓને આસપુર ચોકડીથી બેંક ઓફ બરોડા રોડ પર લાવી જે ધંધો કરી શકાય તેમ છે.
ભાવ વધારા ઉપર અંકુશ લાવવા આગળ આવી અવાજ ઉઠાવવા કોઈ માઈનો લાલ પાક્યો નથી.!
છેલ્લા એક વર્ષથી કોરોના કાળ દરમ્યાનથી મોટાભાગની ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગની પ્રજાને પરિવારનુ ભરણપોષણ કરવા માટે વંશ પરંપરાગત અને આવડત સિવાયના કોઈપણ પ્રકારનો ધંધો કરી પરિવારનું ભરણપોષણ કરવા મજબુર બનવું પડ્યું છેઅને તેવા સમયે પડતા ઉપર પાટુ પડયું હોય તેમ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ એક વર્ષ અગાઉની દ્રષ્ટિએ જોતા બેથી ત્રણ ગણા વધી ચુક્યા છે અને તેની અસર ગરીબ,શ્રમિક અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે અને છતાં પણ પ્રજા મૂંગા મોઢે સહન કરી હા માં હા મેળવી શોષણનો શિકાર બની રહી છે.છતાં આવા સમયે પ્રજાનો કોઈ બેલી પાક્યો હોય તેવો ક્યાંય શોધ્યો જડતો નથી.!!