
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવામાં ફોરવીલર વાહને અડફેટમાં લેતા ચાર વર્ષીય બાળકીનું કમકમાટીભર્યુ મોત.
આફવામાં ભોજેલા રોડ ઉપર રહેતી બાળકી તેના ઘરેથી માતા તથા અન્ય લોકો સાથે આફવા બજારમાં જવા નીકળી હતી.
વાહન ચાલક અકસ્માત બાદ પોતાના કબજાના વાહનને સ્થળ ઉપરથી લઈ ફરાર.
( પ્રતિનિધિ ) સુખસર,તા.18
ફતેપુરા તાલુકામાં વાહનચાલકો બેફામ બની રહ્યા છે.દિનપ્રતિદિન નાના-મોટા અકસ્માતોની વણથંભી વણઝાર સતત ચાલુ રહેવા પામેલ છે. તેમાં આજરોજ આફવા ગામે રહેતી બાળકી તેની માતા તથા અન્ય લોકો સાથે આજરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આફવા બજારમાં જવા નીકળી હતી.તેવા સમયે આફવા- ભોજેલા રોડ ઉપરથી પૂરપાટ દોડી આવતા ફોરવીર વાહનચાલકે બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજાવી પોતાના વાહનને લઈ ભાગી છુટયો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવામાં રહેતા મહેશભાઈ રવજીભાઈ બારીયાની પુત્રી ભૂમિકાબેન ઉંમર વર્ષ 4 તેની માતા તથા અન્ય લોકો સાથે આજરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આફવા ગામમાં જવા પગદંડી નીકળ્યા હતા.તેવા સમયે ભોજેલા થી આફવા તરફ આવતા જાહેર માર્ગ ઉપર એક ફોર વ્હીલર વાહન ચાલકે તેના કબજાના વાહનને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી ભૂમિકાબેનને અડફેટમાં લીધા હતા.જ્યારે અન્ય લોકો સમય સુચકતા વાપરી ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.ગંભીર ઇજાગ્રસ્ત બાળકી ભૂમિકાબેનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપરજ કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે. જ્યારે વાહન ચાલક તેના કબજા ના વાહનને અકસ્માત બાદ સ્થળ ઉપરથી લઈ ભાગી છુટયો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક ભૂમિકાબેનના પિતા મહેશભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતકની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી અકસ્માત કરી ભાગી છૂટનાર ફરાર વાહનચાલક સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.