
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનોને ગંભીર માર મારતા એકનું મોત,એકની હાલત ગંભીર:ગામમાં સ્થિતિ ભરેલા અગ્નિ જેવી.
ફતેપુરા કોર્ટમાં મુદત ભરી પરત ફરતા યુવાનોને 20 થી 25 જેટલા લોકોના ટોળાએ ગંભીર જીવલેણ ઈચ્છાઓ પહોંચાડતા એક યુવાનનુ ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન મોત.
સુખસરનો હાથે,પગે,શરીરે ગંભીર ઇજાગ્રસ્ત યુવાન દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ.
સુખસર.તા.11
ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનો ગુરૂવારના રોજ ફતેપુરા કોટ ખાતે મુદતમાં હાજરી આપી પરત ત્રણેક વાગ્યાના અરસામાં પરત ધરે ફરી રહ્યા હતા.તેવા સમયે બલૈયા આવતા 20 થી 25 જેટલા આરોપીઓએ આગોતરું આયોજન કરી બંને યુવાનોને લાકડીઓ તથા મારક હથિયારોથી ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં
લાવતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોને રીફર કરવામાં આવ્યા હતા.જેમાં એક યુવાનને ઝાલોદ ખાનગી દવાખાનામાં જ્યારે બીજા યુવાનને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જેમાં ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહેલા યુવાનુ ગંભીર ઇજાઓના કારણે આજરોજ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે હાથે પગે ગંભીર ઇજાગ્રસ્ત એક યુવાન હાલ દાહોદ ખાતે સારવાર લઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા ફળિયા ખાતે રહેતા સંગાડા ટીનાભાઇ રામાભાઇ ઉંમર વર્ષ 22 તથા કાળુભાઈ મુકેશભાઈ વળવાઈ રહે. સુખસર મારગાળા ક્રોસિંગ પાસે નાઓ ગુરૂવારના રોજ ફતેપુરા થી પરત મોટર સાયકલ ઉપર ઘરે આવી રહ્યા હતા.તેવા સમયે બલૈયા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની સામે હાઇવે માર્ગ ઉપર ફોર વ્હીલર ગાડીમાં આવેલા અચાનક 20 થી 25 હુમલાખોર લોકોના ટોળા દ્વારા ધાતકી હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.અને બંને યુવાનોને હાથે,પગે તથા શરીરે,માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી છુટ્યા હતા.ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાઓના કારણે ઝાલોદ તથા દાહોદ રીફર કરવામાં આવ્યા હતા.જેમાં હુમલાનો ભોગ બનેલા ટીનાભાઇ સંગાડાને હાથે,પગે અને શરીર સહિત માથામાં ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન ઝાલોદ ખાનગી દવાખાનામાં મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે કાળુભાઈ વળવાઈને બંને હાથે,પગે ગંભીર ઇજાઓ થયેલ છે.અને તેઓ હાલ દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે,મૃતકના સગાઓ દ્વારા જણાવ્યા અનુસાર જે લોકો એ અંગત અદાવતથી હાલ હુમલો કર્યો છે.અને તેઓ અસુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.ત્યારે પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઘટનાની જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરી આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનિય બાબત છે કે,મૃતકના પરિવારજનોએ આ મારામારી અને હત્યામાં સંડોવાયેલા આરોપીઓના નામો સહિત ગુનામાં વપરાયેલ બે ફોર વ્હીલર ગાડી જણાવી રહ્યા છે.ત્યારે પોલીસે આ મારામારી અને હત્યામાં સંડોવાયેલા આરોપીઓ કોણ છે?ની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી આરોપીઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.આ લખાય છે ત્યાં સુધી આ મારામારી તથા હત્યામાં સંડોવેલા આરોપીઓના નામોની સત્તાવાર જાહેરાત થયેલ નથી.