
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન પાર્ક તથા ફાયરસેફ્ટી યોજનામાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે RTI કરાઈ.
દાહોદ જિલ્લા શિક્ષણ શાખા દ્વારા વર્ષ-2021-22 માં રમત-ગમતના સાધનો તથા સ્પોર્ટ્સ કિટ ફાયર સેફ્ટીના સાધનો ખરીદીનું ટેન્ડર બહાર પાડ્યા વિના મળતિયા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની કેફિયત રજૂ કરાઈ.
કથિત ભ્રષ્ટાચાર સંદર્ભે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરાતા જરૂરી વિગતોની માંગણી થતા આરટીઆઇ કરાઇ.
સુખસર,તા.30
દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓના વહીવટીતંત્રોમાં ભ્રષ્ટાચારનો સડો દિન-પ્રતિદિન પોતાની પકડ જમાવતો જતો હોવાનું જોવા અને સાંભળવા મળે છે.જેમાંથી આવતીકાલ ભારતના ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષણ શાખા પણ લપેટમાં આવી હોવા બાબતે દાહોદ જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વિગતો મેળવવા આરટીઆઇ કરાતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લામાં વર્ષ-2021-22માં ન્યુ ગુજરાત પેટર્ન(TASP) પાર્ક યોજના તથા ફાયર સેફટી યોજનામાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના મેળાપીપણાથી કોઈપણ પ્રકારનું ટેન્ડર બહાર પાડ્યા વિના તેમના મળતીયા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.તેમાં વર્ષ- 2021-22 ન્યુ ગુજરાત પેટર્ન (ટીએએસપી) પાર્ક યોજના હેઠળ રમત-ગમતના સાધનો સ્પોર્ટ કીટ તથા ફાયર સેફ્ટીના સાધનો બાબતે ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના ઊંચી ટકાવારી મેળવી પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરને કામગીરી આપી હલકી ગુણવત્તાવાળા માલ સામાનની ખરીદી કરી શાળાઓમાં સામાન પહોંચાડી ફેબ્રુઆરી માસમાં જિલ્લાની તમામ શાળાઓમાંથી પ્રમાણપત્ર મેળવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ફાયરસેફ્ટીનો સામાન પણ પોતાના મળતીયા કોન્ટ્રાક્ટર દ્વારા મેળવી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં હલકી ગુણવત્તાનો સામાન પહોંચાડવામાં આવ્યો હોવા નો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું તેમજ જે-તે શાળાના આચાર્ય પાસેથી લખાણ લઈ ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.જેમાં કેટલીક શાળાઓની મેનેજમેન્ટ કમિટી પણ જાણતી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને બારોબાર ચેક મંગાવી લેવામાં આવેલ હોવાની રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી જાણ કરાતા તેઓ દ્વારા જરૂરી વિગતોની માંગણી થતા માહિતી મેળવવા આરટીઆઇ કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે નીચે મુજબની માહિતીની માંગણી કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમાં વર્ષ-2021-22 માં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત (ટીએએસપી),બચત રકમ, પાર્ક યોજના,રમત-ગમતના સાધનો, સ્પોર્ટસ કિટ પૂરું પાડનાર એજન્સીનું નામ અને ટેન્ડર કોપી સહિત જાહેર અખબારની કોપી સાથે જિલ્લામાં તેની ખરીદી માટે કુલ કેટલો ખર્ચ થયો? તેની વિગતો માગવામાં આવી છે.
ફાયર સેફટીના જિલ્લાની કુલ કેટલી શાળાઓમાં સાધનો પૂરા પાડવામાં આવ્યા?તેમાં શાળા દીઠ કેટલી રકમ અને ચેક કોના નામે ફાળવ્યા?તે એજન્સીનું નામ અને ટેન્ડરની કોપી જાહેરાત સાથે માંગવામાં આવી છે.તે સાથે એસ.એમ.સી સભ્યોને વિશ્વાસમાં લીધા છે કે કેમ?જેની વિગતવાર માહિતીની માંગણી કરવામાં આવી છે. તેમજ જિલ્લાની કુલ કેટલી બહુમાળી શાળાઓમાં પાઇપલાઇન દ્વારા ફાયર સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં આવ્યા?જેની જાહેરાત જાહેરખબરમાં આપેલ છે કે કેમ? તેમજ સાધનો પૂરા પાડનાર એજન્સીનું નામ-સરનામાની વિગતવાર માહિતી મેળવવા આરટીઆઈ દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આમ,દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ન્યુ ગુજરાત પેટર્ન તથા ફાયરસેફ્ટી યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવા બાબતે કથિત કૌભાંડ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થતાં જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ આરટીઆઈ દ્વારા માહિતીની માંગણી કરાતા જવાબદાર વહીવટી તંત્રો સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.