
અહો આશ્ચર્યમ..સંજેલીમાં દસ મહિનાના ટૂંકા ગાળામાં લાઈબ્રેરીનું બીજી વખત ખાત મુહર્ત..!!
સંજેલી નવીન લાઈબ્રેરીનું દસ મહિના અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખાત મુહર્ત કરવામાં આવ્યો હતો.
આજે પુનઃ વિધાનસભાના દંડકના હસ્તે લાઈબ્રેરીનું બીજી વખત ખાત મુહર્ત કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયાં..
અગાઉ ત્રણ લાખના ખર્ચે લાઈબ્રેરી બનાવવા ખાતમુહર્ત આજે અંદાજે પાંચ લાખના ખર્ચે પુનઃ ખાત મુહર્ત..
અગાઉના ત્રણ લાખ એળે ગયા.?? એક જ કામ માટે બે વખત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી કે શું..? ચર્ચાતો સવાલ.!!
સંજેલી તા.03
દસ માસ અગાઉ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે કરાયેલા ખાતમુહૂર્તની તસ્વીર
સંજેલી તાલુકા પંચાયત કચેરીમાં 10 માસ અગાઉ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને અન્ય મહાનુભાવોના હસ્તે નવીન લાઇબ્રેરીનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે બીજી વખત ગત રોજ તારીખ 2- 6 -2022 ને ગુરૂવારના રોજ વિધાનસભાના દંડક ના હસ્તે આજ લાઇબ્રેરીનું ફરીવાર ખાતમુરત કરવામાં આવતા નગરજનોમાં ભારે આશ્ચર્ય સર્જાવાની સાથે સાથે બીજી વખતના ખાતમુહર્તના મામલે અનેક પ્રકારના તર્ક વિતર્કો સંજેલી પંથકમાં વહેતા થયા છે સંજેલી તાલુકા મથક એવા સંજેલી નગરમાં ઝાલોદ રોડ પર આવેલી સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતની વર્ષો જૂની લાયબ્રેરી નું મકાન પંચાયતે બારોબાર ઠરાવો કરી અને તાલુકા જિલ્લા ની ભલામણ કે જાહેર હરાજી કર્યા વિના પોતાની મનમાની કરી વેચી માર્યું હતું.જેથી નગરના યુવાનો તેમજ વડીલોને પુસ્તકો તેમજ અખબારો વાંચવા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બારોબાર આવા ઠરાવો કરી સરકારી મિલકત બારોબાર વેચી મારનાર સરપંચ તેમજ તલાટી જેવા જવાબદારો સામે તે સમયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વિવિધ ભરતીઓમાં જનરલ નોલેજ ની જરૂર પડતી હોય અને સંજેલી તાલુકાના ગરીબ અને પછાત વર્ગના લોકો આવા પુસ્તકો ઘેર બેઠા મેળવી શકે તે મહત્વની અગત્યતાને ધ્યાનમાં લેવી તારીખ16-7-2021 ના રોજ તાલુકા યુવા વર્ગ દ્વારા તાલુકા ખાતે નવીન લાયબ્રેરી બનાવવા બાબતે યુવાનો દ્વારા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સંજેલી હરેશ મકવાણા ને આવેદનપત્ર આપ્યું હતું જે આવેદનપત્ર ને ધ્યાને લઇ ને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતની નવીન લાઇબ્રેરીના નિર્માણ માટે કચેરીમાં અંદાજીત રૂપિયા ત્રણ લાખની ફાળવણી કરી લાયબ્રેરીની સુવિધા મળી રહે તે આશયથી તાલુકા પંચાયત કચેરીના મકાન ઉપર જ આયોજન કરી તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.આ આખે આખી ઘટના જાણે વિસરાઈ ગઈ હોય તેમ આજ લાઇબ્રેરીનું સંજેલી તાલુકા પંચાયત ખાતે પુનઃ બીજીવાર વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવતા આ લાઇબ્રેરીનું આ રીતે વારંવાર ખાતમુહર્ત કરવામાં આવશે કે પછી બિલ્ડીંગનું બાંધકામ કરી લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવશે..? તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સાથે સાથે એક જ લાઇબ્રેરીનું બીજી વખત ખાતમુહર્ત કરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.