
જીગ્નેશ બારીયા :- દાહોદ
સંજેલીમાં થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગોવિંદતલાઈ ગામે વિદેશી દારૂ ઝડપ્યાનો મામલો,
પોલીસ મહાનિર્દેશક દ્વારા સંજેલી પીએસઆઇને સસ્પેન્ડ કરાયા, પોલીસ બેડામાં ખળભળાટ
દાહોદ તા.૦૮
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદતળાઈ ગામે તારીખ ૨૭મી ઓગષ્ટના રોજ એક મકાન અને એક દુકાનમાં મળેલ બાતમીના આધારે ઓંચિતી રેડ પાડતાં બંન્ને જગ્યાએથી કુલ રૂા.૪,૦૦,૦૨૭નો પ્રોહી જથ્થો અને મુદ્દામાલ કબજે કર્યાેં હતો આ બનાવના પડઘા ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચતાં ગુજરાતના ડીજી દ્વારા સંજેલી પોલીસ મથકના પીએસઆઈને સસ્પેન્ડ કરાતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદતળાઈ ગામે બે મકાનોમાં ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. ગોવિંદતળાઈ ગામે રામદેવ મંદિર ખાતે રહેતો રોનકકુમાર ઉર્ફે રવિ વિરસીંગભાઈ નારસીંગભાઈ બારીયાની પતરાવાળી સેડવાળી દુકાન અને મકાનમાં ઓચિંતી રેડ કરતાં પોલીસે રોનકકુમાર ઉર્ફે રવિ વિરસીંગભાઈ નારસીંગભાઈ બારીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી હતી જ્યારે વોન્ટેડ એવા દેવેન્દ્ર પરસોત્તમભાઈ કલાલ (રહે. લીમડી, ઝાલોદ રોડ, તા.ઝાલોદ, જિ. દાહોદ) વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો દાખલ કર્યાેં હતો. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દુકાન અને મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ ૩૩૭૦ બોટલો કિંમત રૂા.૩,૫૫,૪૩૭, ઝડપાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૬,૫૯૦, બે મોબાઈલ ફોન કિંમત રૂા.૩,૦૦૦ અને એક વાહન કિંમત રૂા.૩૫,૦૦૦ એમ કુલ મળી રૂા.૪,૦૦,૦૨૭નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોં હતો.
આ સમગ્ર મામલો ગુજરાતના ડીજી સુધી પહોંચ્યો હતો અને આજરોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ. લાશનને ડીજી દ્વારા સસ્પેન્ડ કરાયાં હોવાના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લામાં ફેલાતાં ખાસ કરીને પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.
———————–