રિપોર્ટર :- બાબુ સોલંકી, સુખસર /ગૌરવ પટેલ.લીમખેડા
લીમખેડા તાલુકામાં કંબોઈ ગામના પ્રેમાન્ધ બનેલા સસરા-પુત્રવધુએ ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કરતા ચકચાર.
બે સંતાનોની માતાની આંખ સસરા સાથે મળી જતા સાત વર્ષ આગાઉ ઘર છોડીને ભાગી ગયા હતા.
સુખસર/લીમખેડા તા.01
લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ગત સાત વર્ષ અગાઉ સસરા-પુત્રવધુ ની આંખ મળી જતા ઘર છોડીને જતા રહ્યા હતા.ત્યારબાદ સસરા-પુત્રવધુ કોઈક જગ્યાએ પતિ-પત્ની તરીકે રહેતા હતા.જેઓની ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરવા છતાં તેઓની ભાળ આજ દિન સુધી મળી આવી ન હતી. જ્યારે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં કંબોઈ ગામમાં કોઈ સ્ત્રી તથા પુરુષની લાશ ખાખરાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી.અને આસપાસનાં ગામડાઓ માંથી લોકો ઉમટી પડ્યા હતા.ત્યારે બંને લાશોને નીચે ઉતારી જોતા આ લાશો સાત વર્ષ અગાઉ સસરા-પુત્રવધુ ભાગી ગયેલ તેઓની હોવાની જાણ પડતા ચકચાર મચી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ લીમખેડા તાલુકાના કંબોઈ ગામના નિલેશભાઈ રમેશભાઈ હઠીલાના વર્ષ 2013 માં સમાજના રીત રિવાજ મુજબ ગરબાડા તાલુકાના માતવા,ગાળીયું ફળિયાના વતની રામલાભાઈ મનીયાભાઈ ભુરીયા ની પુત્રી વનીતાબેન ઉંમર વર્ષ 31 ની સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયેલ હતા.અને તેઓને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી પણ હતા.પરંતુ કહેવાય છે કે,પ્રેમ ન જુએ નાત,જાત, ઉંમર કે સબંધ અને તેવી જ રીતે પુત્રવધુ વનિતાબેનને પોતાના સગા સસરા રમેશભાઈ તેજાભાઈ હઠીલા ઉંમર વર્ષ 49 ની સાથે આંખ મળી જતા વર્ષ 2016માં વનિતાબેન તેના સસરા રમેશ હઠીલા સાથે પત્ની તરીકે રહેવાના ઈરાદાથી ક્યાંક જતા રહેલ હતા.અને તેમની અવાર-નવાર શોધ ખોળ કરતા તેમની કોઈ ભાળ પત્તો મળેલ નહીં.અને વનિતાબેન તથા રમેશભાઈ નાઓ ગુજરાતમાં ક્યાં રહેતા હતા તે બાબતે ઘરના કે પિયરિયાઓને કોઈ જાણ મળેલ ન હતી.
ત્યારબાદ આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં કંબોઈ ગામે ખાખરાના ઝાડ ઉપર કોઈ છોકરા- છોકરીએ ગળેફાસો ખાધેલ છે.તેવી વાત ગામમાં અને આસપાસના ગામડાઓમાં ફેલાઈ જતા લોકો કંબોઈ ગામે ફાંસો ખાધેલ છોકરા-છોકરીની લાશ જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યાં જઈ જોયેલ તો સાત વર્ષ અગાઉ સસરા રમેશભાઈ તથા પુત્રવધુ વનિતાબેન હોવાનું જાણવા મળેલ.અને ત્યારે મૃતકના પરિવારજનો એ સ્થળ પર આવી જોતા બંને મૃતકોની ઓળખ છતી થતા વનિતાબેન તથા રમેશભાઈની લાશને નીચે ઉતારી જોતા તેઓ મરણ ગયેલ હોવાનું જણાયેલ. આ બંને લાશોને ખાનગી વાહનમાં લીમખેડા સરકારી દવાખાનાનામા પી.એમ અર્થે મોકલવામાં આવી હતી. મરણ જનાર પુત્રવધુ તથા સસરાએ તેમનો સંબંધ સમાજ સ્વીકારશે નહીં તેમ મનમાં લાગી આવતા ગળે ફાસો ખાઈ મરણ ગયેલ હોવાનું હાલ અનુમાન લગાવાઇ રહ્યું છે.
ઉપરોક્ત બાબતે મરણ જનાર વનીતાબેનના પિતા રામલાભાઈ મનિયાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતાં લીમખેડા પોલીસે લાશના પંચનામા બાદ તેનો કબજો મેળવી પી.એમ અર્થે લીમખેડા સરકારી દવાખાનામાં મોકલી આપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે…