
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઝાલોદમાં મહિલાને 35 લાખની લોટરી લાગી હોવાનું કહી 5 ભેજાબાજોએ 4.50 લાખ ખંખેરી લીધા
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ૪૦ વર્ષિય મહિલાને પાંચ જેટલા ઈસમોએ વિશ્વાસમાં લઈ મોબાઈલ ફોન પર ફોન કરી મહિલાને જીઓ નંબર પર ૩૫ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી મહિલા પાસેથી અલગ અલગ તારીખોએ કુલ રૂા.૪,૪૮,૦૦૦ પોતાના બેંન્ક ખાતામાં નંખાવી મહિલા સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ઝાલોદ નગરના ફતેપુરા રોડ, માંડલી ફળિયામાં રહેતાં ૪૦ વર્ષીય રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલા (મુસ્લીમ)ને અખીલેશ યાદવ નામક વ્યક્તિનો મોબાઈલ પર ફોન આવ્યો હતો અને રાબીયાબેનન જીઓ સીમ નંબર ઉપર રૂપીયા ૩૫ લાખની લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ બાદ અખીલેશ યાદવ નામક વ્યક્તિની સાથે અન્ય સંજીતકુમાર, દિલીપકુમાર, એમ.ડી.અબબુકર અને કમલેશકુમાર દ્વારા રાબીયાબેનને વિશ્વાસમાં લઈ તેઓના વોટ્સએપ નંબર પર બેંન્કની વિડીયો ક્લીપ મોકલી, ફોટા મોકલી રાબીયાબેન પાસેથી આ પાંચેય જણાએ એકબીજાના મેળાપીપળામાં તારીખ ૧૭.૦૫.૨૦૨૧ થી તારીખ ૨૫.૦૫.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે કુલ રૂા.૪,૪૮,૦૦૦ બેંન્ક ખાતામાં ભરાવી ઈનામની રકમ નહીં આપી આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલા (મુસ્લીમ) દ્વારા ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————