
દાહોદમાં ખાનગી હોસ્પિટલના પેનલ બોર્ડ માં લાગી આગ: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં…
દાહોદ શહેરના દર્પણ રોડ પર આવેલા એક ખાનગી હોસ્પિટલના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગે દેખા દેતા હોસ્પિટલમાં ધુમાડાના પગલે ઉપસ્થિત હોસ્પિટલ સ્ટાફમાં ભયનો વાતાવરણ ઉભો થયો હતો.જોકે સ્થાનિકોએ દાહોદ ફાયર ફાઈટરને જાણ કરતાં અગ્નિશામક દળના કાર્યકરોએ તાબડતોડ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ પર આવેલા દર્પણ હોસ્પિટલના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગે દેખા દીધી હતી.ત્યારબાદ લાઈટના પેનલબોર્ડમાથી નીકળતા ધુમાડાના પગલે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસના લોકોમાં ગભરાટ નો માહોલ છવાયો હતો.જોકે સ્થાનિકોએ આ અંગેની જાણ દાહોદ અગ્નિશામક દળને કરતા અગ્નિશામક દળના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવી ગણતરીની મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. હોસ્પિટલમાં પેનલ બોર્ડમાં આગના બનાવ સમયે માત્ર એક જ દર્દી દાખલ હતો.તેમજ આ બનાવમાં અન્ય કોઇ જાનહાની ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.