
જિલ્લાના પોલીસકર્મીઓને સાયબર ક્રાઇમ સામે આદ્યુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાની નેમ વ્યક્ત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિેતેશ જોયસર
દાહોદ જિલ્લાના ૪૨ પોલીસકર્મીઓને અપાઇ રહી છે સાયબર ઇન્વેસ્ટીંગેશન અને સાયબર સિક્યુરિટીની તાલીમ
દાહોદ, તા. ૭ :
દાહોદનાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે છ દિવસીય સાયબર ક્રાઇમને લગતી તાલીમનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે કરાવ્યો છે. જિલ્લાના ૪૨ પોલીસકર્મીઓને આ અંગેની તાલીમ આગામી તા. ૧૨ માર્ચ સુધી આપવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સયુક્ત ઉપક્રમે સાયબર ઇન્વેસ્ટીંગેશન અને સાયબર સિક્યુરિટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જોયસરે જણાવ્યું કે, ‘‘આધુનિક સમય સાથે ક્રાઇમ પણ આધુનિક ઢબે થઇ રહ્યાં છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલાંક લોકો ગુનો આચરતા હોય છે. આવા ક્રાઇમને રોકવા માટે જિલ્લાની પોલીસને આદ્યુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી જિલ્લાના પોલીસ કર્મીઓને સાયબર ઇન્વેસ્ટીગેશન અને સાયબર સિક્યુરિટીની તાલીમ આપીને આવા ક્રાઇમ સામે સજ્જ કરવામાં આવી રહ્યાં છે.’’
મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંગે પણ અત્યારના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમના સંદર્ભમાં સાયબર ઇન્વેસ્ટીગેશનની અગત્યતા વિશે જણાવ્યું હતું.
આ છ દિવસીય તાલીમ સાયબર ક્રાઇમ એક્સપર્ટ શ્રી મુર્તુઝાભાઇ દ્વારા અપાઇ રહી છે. તેમજ પંચમહાલના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી આર.એ. સાથીયા દ્વારા પણ પોલીસકર્મીઓને આ ક્ષેત્રનું જ્ઞાન અપાઇ રહ્યું છે.
જિલ્લામાં પોલીસને સાયબર ક્રાઇમ સામે સજ્જ કરવા માટે ગત જાન્યુઆરી મહિનામાં પણ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૭ પોલીસકર્મીઓને તાલીમ આપવામાં આવી હતી. આ વખતના તાલીમ કાર્યક્રમમાં વધુમાં વધુ પોલીસકર્મીઓને તાલીમ મળે તેનું આયોજન કરાયું છે.
કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરેશ સોલંકી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦