રાજેશ વસાવે :- દાહોદ
આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાના પ્રતીક 18 મો સાંસદ ઢોલ મેળો 28 મીેએ દાહોદમાં,400થી વધુ ઢોલીઓ ભાગ લેશે
નગરસિંહ પલાસના માર્ગદર્શન હેઠળ આયોજિત મેળો આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે સમર્પિત,અનેક રાજ્યોમાંથી મંડળીઓ જોડાશે
દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા અઢારમા સાંસદ ઢોલ મેળાનું આયોજન આવતી 28મી તારીખે કરવામાં આવ્યું છે. પૂર્વ નિવૃત્ત આઈપીએસ અધિકારી નગરસિંહ પલાસ દ્વારા સ્થાપિત ભીલ સુધારણા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ ઢોલ મેળો આજે વિશાળ લોકચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.

શરૂઆતના સમયમાં અનેક વિરોધ અને અટકળો વચ્ચે માત્ર 50 ઢોલીઓ સાથે શરૂ થયેલો આ મેળો વર્ષોથી સતત વિકાસ પામતો રહ્યો છે. ગયા વર્ષે 370 જેટલા ઢોલીઓએ ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે 400થી વધુ ઢોલ મંડળીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઢોલ, માંદળ અને વાંસળી જેવા લોકવાદ્યોને પ્રોત્સાહન આપવાનો છે. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ અને ડીજેના કર્કશ અવાજ વચ્ચે આદિવાસી લોકગીતો અને પરંપરાગત સંગીત ધીમે ધીમે વિસરાઈ રહ્યા છે. સમાજમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને સાંસ્કૃતિક વિમુખતાને ધ્યાનમાં રાખીને યુવા પેઢી પોતાની મૂળ ઓળખ સાથે જોડાયેલી રહે તે માટે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મેળા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ઢોલ મંડળીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવે છે, જે યુવાનોમાં પરંપરાગત કળા પ્રત્યે ઉમંગ અને ગૌરવની ભાવના જાગૃત કરે છે.
આ વર્ષે શનિવારે સવારના 10:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ ઢોલ મેળો યોજાશે. દાહોદ ઉપરાંત પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ રાજસ્થાનના બાંસવાડા, ડુંગરપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ અને ધાર સહિતના વિસ્તારોમાંથી ઢોલ મંડળીઓ ભાગ લેવા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આદિવાસી સમાજ પૂરતો સીમિત રહેલો આ ઢોલ મેળો હવે વિવિધ સમાજોની સહભાગિતાથી સર્વસમાવેશી સાંસ્કૃતિક ઉત્સવ બની રહ્યો છે. વણઝારા, કોળી સહિતના અન્ય સમાજના લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
આ રીતે અઢારમો સાંસદ ઢોલ મેળો માત્ર સંગીતનો કાર્યક્રમ નહીં પરંતુ આદિવાસી અસ્મિતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને સંજીવની આપતો મહોત્સવ બની રહ્યો છે.
