દાહોદમાં વિદેશી દારૂ હેરાફેરી કેસમાં સામેલ ખાખી સામે કડક કાર્યવાહી:ચાકલિયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મીઓ ફરજમુક્ત
SP રવિરાજસિંહ જાડેજાના આદેશથી વિભાગીય તપાસ શરૂ
દાહોદ તા.13
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસકર્મીઓની સંડોવણી સામે આવતા પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. ચાકલિયા પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલને દારૂની હેરફેરીમાં લિપ્ત હોવાનું સામે આવતા તાત્કાલિક ફરજમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં આ પ્રકરણમાં પોલીસ અધિક્ષકે તપાસ માટેના આદેશો આપ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ખાખીની આડમાં ચાકલિયા પોલીસ મથકના સંબંધિત પોલીસકર્મીઓ વિદેશી દારૂની ખેપ લઈ આવતાં હોવાનું ખુલાસો થયો છે. જેના પગલે આ ઘટનાએ પોલીસ બેડામાં ભારે ચકચાર મચાવી દીધી છે અને પોલીસની છબી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. જોકે આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ રવિરાજસિંહ જાડેજાએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસકર્મીઓની સંડોવણી સ્પષ્ટ થતા ત્રણેયને ફરજમુક્ત કરી વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રોહીબિશનમાં ઝીરો ટોલરન્સનો સ્પષ્ટ સંદેશ.!
દાહોદ પોલીસ દ્વારા પ્રોહીબિશન બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે. બુટલેગર હોય કે પોલીસકર્મી – કાયદાનો ભંગ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે, એવો કડક અને સીધો સંદેશ તંત્ર દ્વારા પ્રસ્થાપિત થયો છે.

પોલીસબેડામાં સ્તબ્ધતાપોતાના જ વિભાગના કર્મીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે. આ કેસમાં આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ પોલીસ દ્વારા કાયદાની અમલવારીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે દિશામાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
દાહોદમાં ‘રક્ષક’ જ બન્યા ભક્ષક :પોલીસ યુનિફોર્મ પાછળ દારૂની હેરાફેરીનો કાળો ધંધો.!
દાહોદ પોલીસે લીમડી નજીક ફોરવીલર ગાડીમાંથી 66 હજારનો દારૂ પકડ્યો, દારૂ લાવનાર તેમજ પાયોટીંગ કરનાર ત્રણ પોલીસ કર્મીઓ ફરાર..

દાહોદ જિલ્લામાં કાયદો જાળવનાર પોલીસ વિભાગને શર્મસાર કરતી ગંભીર ઘટના સામે આવી છે.જેમાં ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ રાજસ્થાનથી ફોરવીલર ગાડીમાં પાયલોટિંગ મારફતે વિદેશી દારૂ ભરીને લીમડી તરફ આવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં બાતમીના આધારે ચાલિયા તેમજ એલસીબી પોલીસે બંને ફોરવીલર ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસથી બચવા માટે ઉપરોક્ત પોલીસ કર્મીઓએ ગાડી લોકોને બદલે ભગાવી મૂકી હતી. ત્યારબાદ એલસીબી તેમજ સ્થાનિક પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ગાડી ગટરમાં પડી હતી. જ્યારે પાયલોટિંગ કરનાર ગાડી લઈને ભાગી ગયા હતા. જે બાદ પોલીસે ફોરવીલર ગાડીની તલાસી લેતા તેમાંથી 66,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પાંચ લાખ રૂપિયાની ફોરવીલર ગાડી તેમજ વિદેશી દારૂ મળી 5.66 લાખનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં લિપ્ત બે હેડ કોન્સ્ટેબલ એક કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કર્યો છે. જોકે બીજી તરફ પોલીસ કર્મીઓની વિદેશી દારૂની હેરફેરમાં સામેલ હોવાનું સામે સમગ્ર પોલીસબેડામાં સ્તબદ્તાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાકરીયા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહન રમેશ તાવીયાડ પોતાના કબજા હેઠળની GJ.35.N.8922 નંબરની ટાટા પંચ ગાડીમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને લીમડી તરફ આવી રહ્યો હતો. તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન સનુભાઈ ભુરીયા તેમજ કોન્સ્ટેબલ પ્રકાશ સબુર હઠીલા Gj.20.CA.8956 નંબરની મારુતિ અલ્ટો ગાડીમાં આગળ પાયલોટિંગ કરીને વિદેશી દારૂ લઈ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં તલાવા ચોકડી પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી ચાકલીયા તેમજ એલસીબી પોલીસને જોઈ ઉપરોક્ત ત્રણેય પોલીસ કર્મીઓ બંને ફોરવીલર લઈને ભાગ્યા હતા. તેમની પાછળ પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટાટા પંચ ગાડી ગટરમાં ઉતરી જતા ગાડીમાં સવાર હેડ કોન્સ્ટેબલ મોહન રમેશ તાવીયાડ અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. જ્યારે alto ગાડીમાં સવાર હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા તેમજ પ્રકાશ હઠીલા ભાગી ગયા હતા. પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની આઠ પેટીઓમાં 312 બોટલો મળી 66000 ઉપરાંત નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે પાંચ લાખ રૂપિયાની ટાટા પંચ તેમજ વિદેશી દારૂ મળી કુલ 5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલા ચાકલીયા પોલીસ મથકના ત્રણેય પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે. નોંધનીય બાબત છે કે વિદેશી દારૂ સાથે પકડાયેલી tata પંચ ગાડી હેડ કોન્સ્ટેબલ મોહન રમેશ તાવીયાડના નામે છે. જ્યારે પાયલોટિંગ કરનાર alto ગાડી કોન્સ્ટેબલ પ્રકાશ સબુર હઠીલાના નામે હોવાનું પોલીસ દ્વારા પોકેટકોપ એપ્લિકેશનમાં સર્ચ દરમિયાન બહાર આવ્યું છે.

