આદિવાસી સમાજમાં પરંપરા: પૂર્વજોની યાદમાં “ખત્રી’ આવ્યા. સંજેલી તાલુકામાં ઠેર-ઠેર આદિવાસી સમાજ દ્વારા શીરા રોપી ચૌદસની ધામધૂમથી ઉજવણી કરી..

Editor Dahod Live
2 Min Read

આદિવાસી સમાજમાં પરંપરા: પૂર્વજોની યાદમાં “ખત્રી’ આવ્યા.

સંજેલી તાલુકામાં ઠેર-ઠેર આદિવાસી સમાજ દ્વારા શીરા રોપી ચૌદસની ધામધૂમથી ઉજવણી કરી..

દાહોદ તા. 04

સંજેલી તાલુકાના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખું ગામ ભેગા થઈ ખેતર એક પાદરે શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરવામાં અને આદિવાસી પરંપરા મુજબ સમાજના રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે..

દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો ગણવામાં આવે છે આસપાસના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ચૌદશના દિવસે દરેક આદિવાસી પરિવારમાં વિશેષ વિધિપૂર્વક પોતાના પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. સંજેલી તાલુકામાં અલગ અલગ ગામના ખેતરે વિધિ મુજબ શીરા રોપી પૂજા અર્ચના હવન કરવામાં આવે છે.આદિવાસી સમાજની અનોખી અને આધ્યાત્મિક પરંપરામાં શીરા પૂજન એક મહત્વપૂર્ણ પૂજન તરીકે ઉજવવામાં આવે છે. દિવાળી બાદ આ ચૌદસના દિવસે ગામના ખેતરે શિરા રોપી હવન પૂજન કરવામાં આવે છે અને કુટુંબના તમામ સભ્યો પૂર્વજોના આશીર્વાદ માટે એકત્ર થાય છે.શીરા એટલે પૂર્વજોનુ ઘર — જ્યાં તેમની યાદમાં શીરા પર નામ લખીને પૂજન કરવામાં આવે છે.આ વિધિ દરમ્યાન પરિવારના સભ્યો ઢોલ-નગારાના સંગાથે ઉત્સવમય માહોલમાં “વધામણા” આપવા માટે ત્યાં પહોંચે છે.

માન્યતા મુજબ આ સમયે પૂર્વજો દેવરૂપે ઉપસ્થિત થાય છે, એક માન્યતા મુજબ આ વિધિ દરમ્યાન પૂર્વજો દેવરૂપે કોઈ એક શરીરમાં પ્રવેશ કરે છે અને આખા વર્ષ દરમ્યાનમાં જે પરિવારમાં મૃત્યુ પામેલા હોય તે વ્યક્તિ ખત્રી સ્વરૂપે પરિવાર સાથે ગળે મળે છે.અને પૂર્વજો પોતાના લોકમાં પરત જાય છે. આ બાબતે કેટલાક સમાજના

આગેવાનોની પૂછપરછ કરતાં જણાવ્યું કે આદિવાસી સમાજમાં ચૌદસ દેવ દિવાળીનું મહત્વ વધુ છે વર્ષ દરમિયાન પરિવારજનો માં કોઈનું મરણ થાય તો તેમની યાદમાં શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરાય છે. સંજેલી તાલુકામાં ઠેર-ઠેર આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા પરંપરાગત રીત રિવાજો આજે પણ કરવામાં આવી રહ્યા છે પૂર્વજોની યાદમાં ગામના ખેતરે શીરા રોપવામાં આવે છે અને આખું ગામ ભેગું થઈને પૂજાવિધિ કરે છે નાચ ગાન કરે છે . આ દરમિયાન જે વ્યક્તિમાં પૂર્વજોની આત્મા પ્રવેશે તેને ખત્રી આવ્યા તેવું કહેવાય છે .આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પ્રચલિત છે.

Share This Article