
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના મોટાબોરીદા ખાતે વિધવાના પ્રેમમાં પડેલા યુવાન દ્વારા 35 વર્ષીય દિયરની હત્યા:આરોપી ઝડપાયો*
*મોટાબોરીદાની 35 વર્ષીય વિધવાના પ્રેમમાં અંધ બનેલા સંતરામપુર તાલુકાના ભંડારા ગામના 25 વર્ષીય દ્વારા હત્યા કરવામાં આવી*
*રાત્રિના 11:00 કલાકે હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને સુખસર પોલીસે ગણતરીના કલાકમાં બલૈયા સરકારી દવાખાનામાંથી ઝડપી લીધો*
સુખસર,તા.15
મરણ જનાર યુવક
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં પ્રેમ સંબંધની આડમાં છેલ્લા બે માસમાં ત્રણેક જેટલા હત્યાના બનાવો બની ચૂક્યા છે.જેમાં એક બનાવ ગતરોજ રાત્રીના ફતેપુરા તાલુકાના મોટાબોરીદા ગામની એક પાત્રીસ વર્ષની વિધવાના પ્રેમમાં અંધ બનેલા સંતરામપુર તાલુકાના ભંડારા ગામના પચ્ચીસ વર્ષિય યુવાને વિધવાના દિયરને ચપ્પુ વડે હાથ કાપી નાખી હત્યા કરતા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાબોરીદા ખાતે રહેતા મંજુલાબેન એનીયસભાઈ ભાભોર ગત સાતેક વર્ષથી વિધવા જીવન ગુજારે છે. આ મંજુલાબેન ભાભોરના પતિ એનીયસ ભાઈએ સાત વર્ષ અગાઉ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.તેમજ તેઓને સંતાનમાં એક પુત્રી તથા એક પુત્ર છે. અને તે બંને સંતાનોના લગ્ન પણ થઈ ગયેલ છે.જ્યારે વિધવા મંજુલાને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના સંજય જેસીંગભાઇ ડામોર ઉંમર વર્ષ 25 ના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ થતા પરિચય થયો હતો.અને અવાર-નવાર આ યુવાન મંજુલાને મળવા માટે તેના ઘરે આવતો હતો. અને જેની જાણ પરિવારના લોકોને થયેલ હતી.તેવી જ રીતે ગતરોજ રાત્રીના સંજય ડામોર મંજુલાના ઘરે આવ્યો હતો.અને જેની જાણ દિયર આશિષભાઈ લાલસીંગભાઈ ભાભોરનાઓને થતા આશિષભાઈ મંજુલાને ઘરે ગયા હતા.અને તેવા સમયે આ યુવાન મંજુલાના ઘરમાં કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો.જેથી આશિષભાઈએ આ યુવાનને ટોકતા સંજય ડામોરે ઝપાઝપી કરી તેની પાસેથી ચપ્પુ કાઢી આશિષભાઈને હાથે ચપ્પુ મારતા કોણી માંથી હાથ કપાઈ ગયો હતો.અને જેના લીધે લોહી વહી ગયું હતું.ઇજાગ્રસ્ત આશિષભાઈને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો.ત્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સંજય ડામોર આશિષભાઈ ભાભોરને ચપ્પુ મારી હાથે ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ ભાગી છૂટ્યો હતો. જ્યારે આ બનાવ બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભાગી છૂટેલા હત્યારા સંજય ડામોરને મોબાઈલ સોર્સના આધારે બલૈયા સરકારી દવાખાનામાંથી ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યો હતો.તેમજ સંજય ડામોરને આ બનાવમાં કોઈક રીતે મદદગારી કરનાર શકદાર અન્ય ત્રણેક ઈસમોને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ હાથ ધરી હતી.જોકે આ લખાય છે ત્યાં સુધી સંજય ડામોરની વિરુદ્ધમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે આ બનાવમાં મંજુલા ભાભોર જેની મુખ્ય ભૂમિકા જોવા મળે છે તેને સાક્ષી તરીકે રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જોકે બુધવાર રાત્રિના 11:00 કલાકથી મૃતક આશિષની લાશ સુખસર સરકારી દવાખાનામા રાખવામાં આવેલ છે.અને 18 કલાકનો સમય વિતવા છતાં પી.એમ.ની રાહ જોઈ રહીછે.