
રાજેશ વસાવે :- દાહોદ
રસ્તા પર સર્જાયેલી આ અણધારી પરિસ્થિતિના કારણે લોકોમાં ભય ફેલાયો..
દાહોદના ગોધરા રોડ ઉપર કારમાં લીક ઓઇલથી બાઇક સવારો લપસ્યા…
જાગૃત નાગરિકોએ પોલીસને જાણ કરી, પાલિકાને જાણ કરતાં રસ્તા ઉપર રેતી નખાઇ :
એકાએક લપસતા બાઇક સવારે સ્તબ્ધ : કેટલાંકને સામાન્ય ઇજા થઇ
દાહોદ તા. 14
દાહોદ: દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આજે એક અસામાન્ય ઘટના બની હતી. એક કારમાંથી મોટા પ્રમાણમાં ઓઇલ લીકેજ થવાના કારણે રસ્તા પર જાણે તેલની નદી વહેતી થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે અહીંથી પસાર થતાં સંખ્યાબંધ બાઇક સવારો અચાનક લપસી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભય અને ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાંથી અચાનક મોટા પ્રમાણમાં ઓઇલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું. જોતજોતામાં તો રસ્તાનો મોટો ભાગ ઓઇલથી લથબથ થઈ ગયો હતો. આ ઓઇલના કારણે રસ્તા પરથી પસાર થતાં બાઇક સવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અચાનક સ્લીપ થવાના કારણે ઘણા બાઇક ચાલકો પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા અને ધડાકાભેર નીચે પટકાયા હતા. આ ઘટનામાં કેટલાંક બાઇક ચાલકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી જ્યારે ઘણા એકાએક લપસી જવાના કારણે સ્તબ્ધ થઈ ગયા હતા.
રસ્તા પર સર્જાયેલી આ અણધારી પરિસ્થિતિના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને અકસ્માતનો ભય સતાવવા લાગ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કેટલાક જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ અને પાલિકાને આ અંગે જાણ કરી હતી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વધુ વાહન ચાલકો લપસીને ઘાયલ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લઇ ટ્રેક્ટરની મદદથી રસ્તાની એક તરફનો ભાગ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ, પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઓઇલ ઢોળાયેલા રસ્તા પર રેતી નાખવામાં આવી હતી. રેતી નાખવાના કારણે રસ્તા પરનું તેલ શોષાઈ ગયું હતું અને લપસણો રસ્તો સલામત બન્યો હતો. ગોધરા રોડ પર બાઇક સવારો લપસવાની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. રસ્તા પર અચાનક સર્જાયેલી આ પ્રકારની પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.