
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ બિસ્માર:વાહન ચાલકો પરેશાન*
*સુખસર થી મારગાળા થઈ જવેસી જતા 9 કિ.મીના માર્ગની વર્ષોથી મરામત કામગીરી નહીં થતા માર્ગ ખંડીયેર બન્યો*
સુખસર,તા.31
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા જાહેર ડામર રસ્તાઓની વર્ષો સુધી મરામત કામગીરી નહીં કરાતા ખાડા ટેકરા વાળા રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહન ચાલકો શારીરિક સમસ્યાનો શિકાર બને છે.અને વાહનની નુકસાની ભોગવી પરેશાન થઈ રહ્યા છે.તેવી જ રીતે સુખસરથી મારગાળા થઈ જવેસી જતા માર્ગની હાલત બદતર જોવા મળી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર થી મારગાળા થઈ જવેસી જતા નવ કિમીના જાહેર ડામર રસ્તાની વર્ષો અગાઉ મરામત કામગીરી કરવામાં આવી હતી.ત્યારબાદ સમય જતા આ રસ્તો તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી.અને જેના વર્ષો વીતી ચુક્યા છે. અને હાલ આ રસ્તો જાણે ખાડાઓમાં રસ્તો જતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.જેના લીધે વાહન ચાલકો ના વાહનો સ્લીપ થવાના બનાવો બને છે.તેમજ ખાડા ટેકરા વાળા રસ્તાથી વાહન ચાલકો શારીરિક ઈજાના શિકાર પણ બની રહ્યા છે.તેમજ વાહનની કેપેસિટી પણ બગડી રહી છે.જોકે આ રસ્તા ઉપરથી આ વિસ્તારના રાજકીય આગેવાનો નિયમિત અવર-જવર કરતા હોવાનું જાણવા મળે છે.તેમ છતાં આ રસ્તાની નવીનીકરણ કામગીરી નહીં કરાતા મકવાણના વરુણા,વાંકાનેર,મારગાળા,ખાતરપુરના મુવાડા,પાટડીયા તથા જવેસીના વાહન ચાલકો આ બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.અને આ રસ્તાની મારામત કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવામાં પામેલ છે.જોકે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ આ રસ્તાની નવીનીકરણ કરવા માટેની કાર્યવાહી પૂર્ણ થવાના આરે છે.અને વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.