
રાજેશ વસાવે :- દાહોદ
લોભને થોભ નહીં: facebook થકી કોન્ટેકમાં આવ્યા બાદ ફ્રોડ આચર્યુ..
ચાકલીયામાં એકના ડબલ કરવાની લાલચ આપી 50 હજારની ઠગાઇ કરી નાસી છૂટેલા ત્રણ ઝડપાયા
ભુજના બે ભેજાબાજો અમદાવાદ થી ભાડે ગાડી કરી ચાલકને પણ સ્કેમમાં સાથે કર્યું..ચિલ્ડ્રન બેંકની નોટો રાખી બે બંડલ આપ્યા હતા
દાહોદ તા.25
ઝાલોદ તાલુકાના નાની મહુડી ગામના પપ્પુભાઇ માનસિંગભાઇ મુનિયાને તા.25 માર્ચના રોજ ટીમ્બી ત્રણ રસ્તા ખાતે સીફ્ટ કારમાં ત્રણ શખ્સોએ આવી અને એકના ડબલ કરવાની લાલચ આપી તેની પાસેથી 50,000 રૂ.નું એક બંડલ લઇ તેની સામે તેને રૂપીયા 500 રૂ.ની ડુબ્લીકેટ ચલણી નોટોના બે બંડલ આપી જે બંડલના ઉપર અને નીચે બે-બે ઓરીજનલ નોટો મુકી વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટો રાખી બે બંડલ આપ્યા હતા. જે 500 રૂપિયાના બે બંડલ તેઓએ ચેક કરતા તેમા ચિલ્ડ્રન બેંકની નોટો જણાઈ આવતા તેની સાથે ઠગાઇ થયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારે આ મામલે પપ્પુભાઇ મુનિયાએ ચાકલિયા પોલીસમાં જઇ પોતાની સાથે ચીટીંગ થઇ છે અને ચીટીંગ કરનાર ત્રણેય શખ્સો GJ 08 AW 0378 કારમાં ચાકલીયાથી દાહોદ તરફ નાસી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે દાહોદ એસ.પી. ર્ડો.રાજદીપસિંહ ઝાલાએ જીલ્લામાં બનતા બનાવોની ગંભીરતા લઇ તાત્કાલિક આરોપીઓને પકડી પાડવાની સુચના આપતાં એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ એસ.જે.રાણા, એન.એમ.રામીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એમ.માળી તથા એસ.ઓ.જી. શાખાના કર્મચારીઓની ટીમ બનાવી દાહોદ ચાકલીયા રોડ ઉપર બુરવાળા ત્રણ રસ્તા પાસે વોચ-તપાસમાં હતા. તે દરમિયાન ઉપરોકત બાતમીમાં દર્શાવ્યા મુજબની સ્વિફ્ટ કાર આવતાં તેને રોકી ગાડીમાં બેસેલ સીબાન દાઉદ્દ સમા રહે.સુરલબીટ રોડ ચાકી જમાતખાના, મહેદી કોલોની ભુજ, વિક્રમસિંહ નાનુજી વાઘેલા રહે. અમદાવાદ કૃષ્ણનગર સોસાયટી મુળ રહે. ઇન્દ્રમાંના, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા, સમીર અબ્બેમાન થૈમ રહે.સુરલબીટ રોડ ચાકી જમાતખાના, મહેદી કોલોની ભુજને પકડી પાડી ઝડતી તપાસ કરતા તેઓ પાસેથી છેતરપીંડીમાં ગયેલ અસલી ચલણી નોટો રૂપિયા 50,000ની કિંમતની રૂા.500ના દરની 100 નોટ તેમજ ચિલ્ડ્રન બેંક લખેલ 500 દરની 400 નોટ મળી આવી હતી. ત્રણેયને પકડી પાડી 3,00,000 રૂ.ની કાર, 15,000 રૂ.ના ત્રણ મોબાઇલ મળી કુલ 3,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ચાકલીયા પોલીસને સોંપ્યો હતો.
*ભુજના બે ભેજાબાજોએ દાહોદના વ્યક્તિનો ફેસબુક સાથે કોન્ટેક્ટ કર્યો.*
પકડાયેલા ત્રણ પૈકી બે ભેજાબાજો ભુજના હોવાનું સામે આવ્યુ છે. તેઓએ facebookના માધ્યમથી દાહોદના વ્યક્તિ નો કોન્ટેક કર્યો હતો. અને બનાસકાંઠાના વ્યક્તિની ભાડે ગાડી રાખી તેને પણ આ કૌભાંડમાં સામેલ કર્યો છે.