
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના ભીલ સમાજમાં અનોખી પરંપરા: ભીમકુંડમાં આમલી અગિયારસના દિવસે સ્વજનોની અસ્થી વિસર્જિત કરાય છે..
હોળી પહેલા સ્વજનની મરણોઉપરાત વિધિ કર્યા બાદ શુભ કાર્યોની શરૂઆત..
દાહોદ તા.08
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ભીલ સમાજના લોકોમાં અનોખી પરંપરા જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન જે સ્વજનોના મૃત્યુ થયા હોય તેમના સ્વજનોનું અસ્થીનું આમલી અગીયારસે ગરબાડાના રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં વિસર્જન કરાય છે. આમલી અગીયારસ એટલે દર વર્ષે ફાગણ સુદ અગિયારસે આ સમાજના લોકો સ્વજનોના અસ્થીનું વિસર્જન કરે છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે.આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થી (ફૂલો)ને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાટી દેવામાં આવે છે.
ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા
હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે આ અસ્થીઓને ધોઈ તેની પુજા કરે છે. પુજા-વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે. રામ ડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા છે. દેવોનો વાસ હોવાથી સ્વજનોને મોક્ષ મળવાની માન્યતા છે. હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે.
*અહીં પાંડવો આવ્યા હોવાની પણ વાયકા.*
જો કે અહીંના ભીલ સમાજના લોકોની એવી એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા અને આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે. જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે. જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે. અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે.
અસ્થિ પધરાવવા માટે ભીમકુંડ ખાતે લોકોની ભારે ભીડ જામે છે
ભીલ સમાજમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામનારા લોકોના ફૂલો (અસ્થિ) માટીની ફૂલડીમાં ભરી ઘરની આજુબાજુ ઝાડ નીચે યાદ રહે તે પ્રમાણે દાટી દેવામાં આવે છે. નોમ ટકે તથા દશમની સાંજે ફૂલો કાઢી પૂજાવિધિ બાદ રાત્રીના આ ફૂલો આંગણામાં બાંધી લટકાવી દે છે. વહેલી સવારના ભીમકુંડ વાજતે ગાજતે આ ફૂલો વળાવવામાં આવે છે. ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરવાની પણ માન્યતા. અસ્થિવિસર્જન કરનારા પુરુષો સામૂહિક મુંડન પણ કરાવે છે.