બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના જવેસી ગામે કડાણા થી દાહોદ જતી પાણીની પાઇપલાઇન માંથી વેડફાતા પાણીના કારણે નિરાધાર વિધવા મહિલાનાં ખેતરો બિનખેતી બન્યા*
*સતત પાણીના ભરાવાના કારણે ખેતરો ખેતીલાયક નહીં રહેતા તેની સ્થાનિક કક્ષાએથી કોન્ટ્રાક્ટર તેમજ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવા છતાં વિધવા મહિલા સાથે અન્યાય?!*
સુખસર,તા.19
ફતેપુરાના તાલુકાના જવેશી અને કુંડાલા ગામના સીમાડે થી પસાર થતી લાઈન કડાણા થી પાટાડુંગરી (દાહોદ) જતી પાણી ની લાઈન પસાર થાય છે. જવેશી ગામે રહેતા સબૂરીબેન કિશોરી વિધવા છે.જેમના ખેતર માંજ પાણી નો વાલ્વ તેમજ વાલ્વ ચેમ્બર પણ બનાવવામાં આવેલ છે.જે વાલ્વ માંથી સતત પાણીનો પ્રવાહ નીકળ્યાજ કરે છે.સતત નીકળતા પાણીથી ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ રહી છે.અને જેના કારણે સબૂરી બેનના ત્રણ ખેતરો તે લાઈનમાં જ આવેલા છે.ત્યારે આ ચેમ્બર વાલ્વ માંથી સતત નીકળતા પાણીના પ્રવાહ ના કારણે ત્રણે ખેતરોમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી ખેતી લાયક જમીન હોવા છતાં બિન ખેતીમાં ફેરવાઈ ગયેલ છે.
આ ખેતરોમાં બારે માસ પાણી ભરવાના કારણે બારે માસ ખેતરોમાં તળાવ જેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.જયારે આ બાબતે સરપંચ,કોન્ટ્રાકર તેમજ પાણી પુરવઠા વિભાગમાં તેમજ સ્થાનિક વહીવટી તંત્ર ને અનેક વાર જાણ કરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.છતાં વિધવા મહિલાની કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર ન હોવાનું જાણવા મળે છે.અને તંત્ર દ્વારા ચેમ્બર વાલ્વ માંથી નીકળતા પાણીને બંધ કરવામાં આવતું નથી.
કિશોરી ફળીયામાં રહેતા અને પાણીની પાઇપલાઇન થી પીડિત સબૂરીબેન પાસે રહેવા માટે પોતાનું પાકું મકાનપણ નથી. જ્યારે જમીન છે પરંતુ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે ખેતી પાકોનું વાવેતર નહીં કરી શકતા ખેતી થતી નથી.જેના કારણે નિરાધાર અને વૃદ્ધ મહિલાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ નિરાધાર મહિલાની વ્હારે ચડે અને ચેમ્બર વાલ્વ માંથી નીકળતું પાણી બંધ કરે તો નિરાધાર વૃદ્ધ મહિલા થોડી ઘણી ખેતી કરી પોતે પોતાનું ગુજરાન ચાલવી શકે તેમ છે. નિરાધાર વૃદ્ધ મહિલા ની આગળ પાછળ કોઈ જ નથી તેમના દીકરાનું અને પતિ ના અવસાન બાદ ખુબ નિરાધાર બની ગયા છે.જયારે નિરાધાર મહિલા ને સરકારી લાભ પણ કોઈ મળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી તેઓ ઝુંપડામાં કપરી સ્થિતિમાં રહી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે કોન્ટ્રાક્ટર સહિત પાણી પુરવઠા તંત્ર દ્વારા ધ્યાન આપવા માટે સમય હોય તો નિરાધાર વિધવા મહિલાની મુશ્કેલી દૂર કરે તે જરૂરી છે.
જ્યાર થી કડાણા પાટાડુંગરી ની લાઈન નાખવા માં આવી છે.ત્યાર થી મારા ખેતરમાં કોઈ પણ પાક થયો નથી.અને અમારા ખેતરોમાં બારે માસ પાણી ભરેલું રહે છે.અમોએ સરપંચ, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને અનેક વખત જાણ કરી છે.છતાં પણ પાણીની લાઈન રિપેર કરવા આવતા નથી.હું વિધવા છું.અને મારી આગળ પાછળ કોઈ નથી.મારાં ખેતરમાં એક પણ રૂપિયાની ઉપજ થતી નથી.તાત્કાલિક લાઈન રિપેર કરવા આવે તેવી મારી માંગ છે.
*(સબૂરીબેન કિશોરી, નિરાધાર વિધવા, જમીન માલિક)*