બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન ઓરડા ઓની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરી!?*
*ફતેપુરા તાલુકામાં પ્રાથમિક શાળાઓના નવીન ઓરડા ઓની બાંધ કામગીરી પ્રત્યે કોન્ટ્રાક્ટરની મનમાની,વહીવટી તંત્રોની બેદરકારી છતાં સરકારની ઉદાસીનતા કેમ?*
*તાલુકાના ઊંડાણ તથા ડુંગરાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓની બાંધ કામગીરી દોઢ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલ છે*
*અનેક પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડા ઓની મહિનાઓ અગાઉ માત્ર શરૂઆત કરાઈ:ત્યારબાદ કામગીરી ખોરંભે પડેલી છે*
*તાલુકામાં પ્રાથમિક શાળાઓના ઓરડાની બાંધકામ કામગીરીમાં વપરાતુ મટીરીયલ પણ હલકી ગુણવત્તાનુ હોવાનું સ્થાનિક લોકોની બુમો*
સુખસર,તા.22
ફતેપુરા તાલુકામાં સરકાર હસ્તક ચાલતી કામગીરીમાં સ્થાનિક તાલુકા- જિલ્લાના વહીવટી તંત્રની બેદરકારીના કારણે ગરીબો માટેની વિવિધ યોજનાઓ હોય કે ગ્રામ વિકાસ સહિત શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ હોય પરંતુ પ્રજાને સમય મર્યાદામાં ન્યાય મળતો નથી.તેવી અનેક બાબતો ઉડીને આંખે વળગે છે.અને જે બાબતે પ્રજા દ્વારા તાલુકા-જિલ્લા તંત્રોને વાકેફ પણ કરવામાં આવે છે.પરંતુ ત્યાંથી પણ આશ્વાસન સિવાય પ્રજાનું કાંઈ ઉપજતું ન હોય તેવી પરિસ્થિતિ તાલુકામાં નિર્માણ થતી હોવાનું જાણવા મળે છે.જેમાં એક બાબત જોઈએ તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકામાં ગત દોઢ વર્ષ અગાઉ પ્રાથમિક શાળાના નવીન ઓરડા ઓની બાંધ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.છતાં આજદિન સુધી આ કામગીરી પૂર્ણ નહીં થતાં શાળાના બાળકો સહિત શિક્ષકો મજબૂરીથી શિક્ષણ લેતા અને શિક્ષણ આપતા જોવા મળી રહ્યા છે.
જાણવા મળેલ પ્રત્યક્ષ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ગત દોઢ વર્ષથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અનેક પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડાઓની બાંધ કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે ચાલુ કરવામાં આવેલી છે.જેમાં ફતેપુરા તાલુકાની 30 જેટલી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.તેમાં એક-એક શાળામાં એક થી છ જેટલા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અને ફતેપુરા તાલુકામાં કુલ 90 જેટલા પ્રાથમિક શાળાના નવીન ઓરડા બાંધકામ કરવાની કામગીરી ચાલી રહી છે.પરંતુ નવીન ઓરડા બાંધકામની કામગીરી કોન્ટ્રાક્ટરની મનમાની,સ્થાનિક તાલુકા-જિલ્લાના જવાબદાર વહીવટી તંત્રોની ઉદાસીનતા અને સરકારની બેદરકારીથી કોઈ જ શાળામાં દોઢ વર્ષનો સમય વિતવા છતાં શાળાના ઓરડાઓની કામગીરી પૂર્ણ થયેલ નથી.
જ્યારે હાલમાં મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટના કારણે એક ઓરડામાં બબ્બે ધોરણના બાળકોને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.કેટલીક એવી પણ પ્રાથમિક શાળાઓ નજરે પડી હતી કે શાળાની ગેલેરીમાં અથવા તો બાળકોને મધ્યાન ભોજન જમવા માટે બનાવેલ શેડમાં બેસી બાળકો અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. કેટલીક પ્રાથમિક શાળાઓમાં રૂબરૂ મુલાકાત દરમિયાન જે ઓરડાઓ પડવાના વાંકે ઉભેલા હોય તેવા ખંડેર ઓરડાઓમાં પણ બેસી બાળકો અભ્યાસ કરતા હોવાનું પ્રત્યક્ષ નજરે પડ્યું હતું.જ્યારે કેટલીક શાળાઓની મુલાકાત દરમિયાન જે-તે શાળામાં નવીન ઓરડાઓની બાંધ કામગીરી ચાલી રહી છે અને દોઢ વર્ષ થવા છતાં પૂર્ણ થઈ ન હોય ત્યાંના શિક્ષકોની શિક્ષણ આપવા બાબતે હાલત દયનીય જોવા મળી હતી.અને ક્લાસ રૂમની ઘટના કારણે મજબૂરીથી શિક્ષણ આપતા અને બાળકો શિક્ષણ મેળવતા હોવાનું નજરે જોવા મળ્યું હતું.
ખાસ કરીને તાલુકાના ઊંડાણ તથા ડુંગરાળ વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડાઓની બાંધ કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ છે.ત્યાં જોતા કેટલીક જગ્યાએ માત્ર પચ્ચિસ થી પંચોતેર ટકા કામગીરી કરી ગત દિવાળી અગાઉથી કોન્ટ્રાક્ટરે તમામ પ્રાથમિક શાળાઓની બાંધ કામગીરીની કામગીરી બંધ કરેલ હોવાનું શાળાના શિક્ષકો સહિત સ્થાનિક નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું.જ્યારે કેટલીક પ્રાથમિક શાળાઓમાં કામગીરીની થોડી શરૂઆત કર્યા બાદ ખોરંભે પડેલી કામગીરીની શરૂઆત ક્યારે થશે તે પણ એક પ્રશ્ન છે.જોકે સરકાર દ્વારા જે-તે કોન્ટ્રાક્ટરને શાળાઓના નવીન ઓરડાઓની બાંધકામ કામગીરી પૂર્ણ કરવા સમય મર્યાદા આપવામાં આવેલ હતી તે પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ જ કામગીરી આજ દિન સુધી પૂર્ણ નહીં કરી કોન્ટ્રાક્ટર મનમાની ચલાવી રહ્યા છે.જ્યારે વહીવટી તંત્રો સહિત સરકાર શૈક્ષણિક ક્ષેત્ર માટે બેદરકારી દાખવી કોન્ટ્રાક્ટરની મનમાની કેમ ચલાવી રહ્યા છે?તે પણ ગંભીર પ્રશ્ન છે આ શાળાઓના ઓરડા ઓની બાંધ કામગીરી માટે જ્યારથી શરૂઆત થઈ અને હાલ સુધીમાં થયેલ કામગીરી જોતા હજી એકાદ વર્ષ જતા કામગીરી પૂર્ણ થશે તેમ જણાઈ રહ્યું છે.પરંતુ બાળકોને અભ્યાસ કરવા માટે ભોગવવી પડતી મુશ્કેલી માટે શિક્ષણ ખાતાના જવાબદારો આંખ આડા કાન કેમ કરે છે?તે પણ વિચાર માંગતો પ્રશ્ન છે.તેમજ અમારા પ્રતિનિધિની દ્વારા જે તે શાળામાં સ્થળ ઉપર મુલાકાત કરતા જ્યાં જ્યાં ઓરડાઓની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ ઓરડાઓની બાંધકામ કામગીરીમાં વપરાતું મટીરીયલ્સ પણ હલકી ગુણવત્તાનું વપરાઈ રહ્યું છે.ત્યારે તે બાબતે પણ ઉચ્ચકક્ષાએથી તપાસ અનિવાર્ય છે.
આમ,ફતેપુરા તાલુકામાં છેલ્લા દોઢ વર્ષથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલ શાળાના ઓરડાઓની કામગીરી ખોરંભે પડેલી છે.ત્યારે તાલુકા-જિલ્લા તંત્ર સહિત રાજ્ય સરકાર સત્વરે ધ્યાન આપે અને બાંધકામ કામગીરી વહેલી તકે શરૂ કરી પૂરી કરે જેથી જે તે શાળાના બાળકોના શિક્ષણ ઉપર પડતી માઠી અસર દૂર થાય તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
*કામ કરતી એજન્સીમાં વિવાદના કારણે કામ ધોચમાં પડ્યું છે*
અમો એજન્સીને નોટિસ આપી છે.આ કામગીરીનો કોન્ટ્રાક્ટ મૂળ અશોકભાઈ પટોલીયાને આપેલ છે.અને તેમાં ત્રણેક એજન્સી કામ કરે છે.અને તે લોકોને અંદરો અંદર શું છે તેની ખબર નથી.એકવાર ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે.ફરીથી ટાઇમ લિમિટની માંગ કરી છે અને થોડા દિવસમાં અમો કામગીરી શરૂ કરાવી દઈશું.અને ત્રણેક માસમાં તમામ પ્રાથમિક શાળાઓની નવીન ઓરડાઓની બાંધકામ કામગીરી પૂરી થઈ જશે.
*(હિમસિંગભાઈ બારીયા,ફતેપુરા તાલુકા ટી.આર.પી)*
*ટાઈમ લિમિટમાં કામગીરી પૂર્ણ થઇ નથી,ટાઈમ લિમિટ વધારી છે*
ફતેપુરા તાલુકામાં ભૌગોલિક પરિસ્થિતિ એવી જ છે.બીજી કોઈ એજન્સી કામ કરવા માટે આવવા તૈયાર નથી.જ્યારે અમોએ જે એજન્સીને કામ સોપ્યું છે તેમાં 11 માસનું ટેન્ડર હતું.તેણે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરેલ નથી.જેથી ટાઈમ લિમિટ વધારી છે.અને કામગીરી પૂરી કરાવી દઈશું.અમો કોન્ટ્રાક્ટરની પાછળ છીએ.
*(નરેન્દ્રસિંહ ડાભી,દાહોદ જિલ્લા ઇજનેર, સર્વ શિક્ષા અભિયાન દાહોદ જિલ્લો)*