બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને અપાતી સાયકલો વિતરણ નહીં કરાતાં ભંગાર હાલતમાં*
*ફતેપુરા તાલુકા મથક સહિત સુખસરના વરુણા છાત્રાલયમાં લાખો રૂપિયાની સેંકડો સાયકલો એક વર્ષ ઉપરાંતથી પડેલી છે*
સુખસર,તા.22
રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ માં અભ્યાસ કરતી કન્યાઓને વર્ષ 2013-14 થી સાયકલ ભેટ આપવાની યોજના બહાર પાડવામાં આવેલી છે. ધોરણ નવમાં ભણતી અનુસૂચિત જનજાતિની કન્યાને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા સાયકલ આપવામાં આવે છે.જેમાં શહેરી વિસ્તારમાં ત્રણ કિ.મી ના અંતરે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અઢી કિ.મી ના કે તેથી વધુ અંતરે આવેલી માધ્યમિક શાળાઓમાં ભણતી કન્યાઓને વિદ્યા સહાય યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવે છે.પરંતુ વર્ષ 2023 માં ફાળવવામાં આવનાર સાયકલો દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં નહીં ફાળવી આ સાયકલો પાછળ કરવામાં આવેલ ખર્ચ તાલુકા-જિલ્લાના જવાબદાર તંત્રની બેદરકારીથી વ્યર્થ ગયો હોય તેમ જણાઈ રહ્યું છે.છતાં સરકારી ચોપડામાં અભ્યાસ કરતી કન્યાની યોજના માટે દાહોદ જિલ્લામાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું હશે.પરંતુ તેનો લાભાર્થી કન્યાઓ સુધી લાભ પહોચ્યો નથી તે નીર્વિવાદ બાબત છે.
જાણવા મળેલી વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.અને આ યોજનાઓમાં થતો ખર્ચ અનુદાન પેટે મળેલ રકમ તેમજ મુખ્યમંત્રીને સન્માન ભેર આપવામાં આવેલ ભેટ સોગાદોના નાણાં માંથી કરવામાં આવે છે.ત્યારે આ નાણાંનો સદ્ઉપયોગ થવો જોઇએ.ત્યારે દાહોદ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપવા માટે વર્ષ 2023 માં સરકાર દ્વારા ખરીદ કરાયેલ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલ છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકામાં પણ સેકડો સાયકલોને કાટ ખાઈ રહ્યો છે.તેમાં સુખસરના વરુણા છાત્રાલયના કમ્પાઉન્ડ ખાતે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સાયકલો પડેલી જોવા મળે છે.અને ઘાસ ઉગી નીકળતા સાયકલો ઘાસમાં સંતાઈ રહી હોવાનું જોવા મળે છે.જોકે સ્થળ ઉપર જઇ પૂછપરછ કરતા સાયકલો તથા ઘાસની વચ્ચે થી ઝેરી જીવજંતુઓ નીકળતા હોવાનું જાણવા મળ્યું હતું.જો સરકાર દ્વારા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવણી કરવી જ ન હોત તો લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો અર્થ શું?બીજી બાજુ જઈએ તો સરકારે જે-તે જિલ્લામાં સાયકલો મોકલી આપી પરંતુ સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા આ યોજનાની લાભાર્થી બહેનોને સાયકલોની ફાળવણી કેમ નથી કરી?તે પણ એક સવાલ છે.