બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તળાવ તેમજ નહેરનું પુરાણ કરી સેગ્રીકેશન શેડ તોડી જમીન પચાવી પાડવાનું કારસ્તાન:તંત્રનું સુચક મોન?*
*સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરી માપણી કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી માપણી નહિ થતાં અનેક તર્ક વિતર્ક*
સુખસર,તા.6
ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીન ઉપર કબજો કરનાર ભુમાફીયાઓ ઉપર લાલ આંખ કરી છે.હાલ દરેક જિલ્લામાં સરકારી ગેરકાયદેસર દબાણો જી.સી.બી ચાલી રહ્યું છે.ત્યારે ફતેપુરા અનેક જગ્યાઓ ઉપર કેટલીય સરકારી જમીન ભૂ માફીયાઓ દ્વારા દબાણ કરી મકાનો બનાવી દેવામાં આવ્યા છે કાં તો પુરાણ કરી દેવામાં આવ્યા છે.ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન ઉપર ભૂમાફીયા ઓના ડોળાઓ ફરી રહ્યા છે. સરકારની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે.તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ સત્તાધિશો અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી.સ્થાનિક આગેવાનો દ્વારા કલેક્ટરમાં રાવ કરવામાં આવી હતી.જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર ફતેપુરાની તળાવની સરકારી જમીન ઉપર સ્થળ તપાસ માટે આવી પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર ગામના જાગૃત નાગરિકો તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશોની વાત સાંભળી હતી.આ તળાવનું તાત્કાલિક ધોરણે માપણી કરી સરકારની જમીન ખુલ્લી કરવા માટેની બાહેદારી આપી હતી. પરંતુ બાહેધરી આપ્યા ને કેટલાય મહિના વીતી ગયા હોવા છતાં પણ માપણી ન આવતા અનેક તર્ક વિતર્ક સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યા છે.
ફતેપુરા ગ્રામ પંચાયતના ગામ તળમાં આવેલ કબ્રસ્તાનની સામેની બાજુ તળાવના ટાંકાની પાસે વર્ષો જૂનું ગામનું તળાવ આવેલું છે.આ તળાવ અંદાજે પાંચેક એકર જમીનમાં પથરાયેલું હતું.પરંતુ વખતો વખત આ તળાવમાં ભુમાફીયાઓ દ્વારા દબાણ કરતા કરતા અંદાજે એક થી બે એકર જેટલી જ તળાવની જમીન બચી છે. તેને ધ્યાનમાં રાખીને ફતેપુરાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર તળાવનુ દબાણ દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી.સ્થાનિક કક્ષાએથી તળાવની માપણી કરતા તળાવ ઉપર નીચે આબુ પાછું કરી મારી મચોડીને તળાવને સ્થળ ઉપર બતાવી દેવામાં આવતું હતું.તળાવ ક્યારેક પોતાની જગ્યા બદલી દે છે તો ક્યારેક પોતાની સ્થિતિમાં હોય એના કરતાં ઓછું બતાવવામાં આવે છે.તળાવની અંદર પુરાણ કરીને તળાવની સરકારી નહેરનું પણ પુરાણ કરીને તેમજ સેગ્રીકેશન સેડ તોડી ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર કબજો મેળવવા માટેનું કારતૂરું રચ્યું હતું.તેની જાણ ફતેપુરા ગ્રામ પંચાયતને થતા ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી કમ-મંત્રી દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.
સ્થાનિક આગેવાનોએ દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર,ફતેપુરા તાલુકાના જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. આ આદેશને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સ્થળ ઉપર પંચકેશ કરવા માટે પોતાની ટીમ સાથે આવ્યા હતા. પંચકેશથી સ્થાનિક આગેવાનોને સંતોષ ના થતા ફરીવાર જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા કલેકટર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સાથે ફતેપુરા ખાતે આવેલ તળાવની જમીન ઉપર સ્થળ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. સ્થળ ઉપર તપાસ કરીને જિલ્લા કલેકટરે તાત્કાલિક ધોરણે માપણી કરાવી તળાવની સરકારની જમીન ખુલ્લી કરવા માટે આદેશ કર્યો હતો. અને સાથે તળાવને ખુલ્લું કરીને બ્યુટીફિકેશન કરવા માટેની તૈયારી કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું.તળાવની સરકારી જમીન ઉપર જે કોઈપણ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો દબાણને તાત્કાલિક દૂર કરી દબાણ કર્તાં ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બાંહેધરી આપ્યાને કેટલોક સમય વીતી ગયો છે.તેમ છતાં પણ આજ દિન સુધી તળાવની કોઈ માપણી કરવામાં આવી નથી કે નથી તો તળાવની જમીન ખુલ્લી કરવામાં આવી છે!ત્યારે ભુમાફિયાઓ દ્વારા આજે ફરી જમીન સમતલ કરવાના બહાને સાફ-સફાઈ કરતા સ્થાનિક લોકોએ કામ અટકાવ્યું હતું.કામ અટકાવીને ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.ત્યારે આ વિવાદનો અંત ક્યારે આવશે?તળાવની આ સરકારી જમીન તેમજ નહેરનું કરલા દબાણ કર્તાં ઉપર કાર્યવાહી ક્યારે થશે ?
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ફતેપુરા નગરના કેટલાય દબાણો છે કે જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કાચું-પાકું બાંધકામ કરીને પોતાનો હક્ક દાવો કરી લીધો છે.તો આ આવા સરકારી જમીન ઉપર કાચું પાકું બાંધકામ કરનાર ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે?તે પણ જોવાનું રહ્યું.સરકારી જમીન ખુલ્લી કરવા માટે તંત્ર કેમ કોઈ રસ લેતું નથી? આજુબાજુના જમીન માલિકો સાથે વારંવાર વિવાદ થાય છે તો આ વિવાદનો અંત ક્યારે આવશે ? તેવા અનેક સવાલો ગ્રામજનોને સતાવી રહ્યા છે.