ઈલિયાશ શેખ :- સંતરામપુર
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંતરામપુર તાલુકાના લીમડા મુવાડીના આંગણે પધારી
ગ્રામજનોમાં ઉત્સાહ : સરકારની પ્રત્યેક યોજનાનો લાભ લેવા સંકલ્પબધ્ધ થયા
સંતરામપુર તા . ૪
વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે. વડાપ્રધાનએ ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરવા માટેના ચાર આધારસ્તંભ તરીકે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે. આ ચાર આધારસ્તંભના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંતરામપુર તાલુકાના લીમડા મુવાડી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો.
સંતરામપુર એપીએમસી ચેરમેન શાંતિલાલ પટેલની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રા રથ ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લલીતાબેન બારિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામુહિક શપથ લીધા હતા.
લીમડા મુવાડીના સ્થાનિક લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. વધુમાં મિશન મંગલમની બહેનો તેમજ શાળાના બાળકોએ નુક્કડ નાટકના મદદથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીને અપનાવવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય, ખેતીવાડી અને આંગણવાડી સહીત વિવિધ વિભાગના સ્ટોલનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં અગ્રણીઓ અરવિંદભાઈ પટેલ, ભુલાભાઈ પટેલ, અજમેલભાઈ બામણીયા, શીવાભાઈ પટેલ, સરપંચ, મુખ્ય શિક્ષક બી એલ પરમાર, કાર્યક્રમ સંચાલન રેવાભાઈ પટેલ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ, તલાટી, પ્રાથમિક શાળા પરિવાર, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.